Vadodra, તા.૧૪
વડોદરામાં LRD ભરતીમાં બોગસ કોલ લેટર કાંડનો મામલો સામે આવ્યો છે. નવસારીના વાંસદાના એક ગામની ૧૯ વર્ષિય યુવતી કેતીબેન પટેલે અન્ય ઉમેદવારના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો પરંતુ પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં વેરિફિકેશન દરમિયાન ભાંડો ફૂટી ગયો હતો.
કેતી પટેલ ફિઝિકલમાં પાસ અને લેખિતમાં નાપાસ થઈ હોવાથી બીજા ઉમેદવારના નામનો નકલી કોલ લેટર બનાવ્યો હતો. મકરપુરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે LRD ભરતી માટે ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી હતી.
આ દરમિયાન યુવતીએ પોતાનો ભરતી માટેનો કોલલેટર અધિકારીઓને રજૂ કર્યો હતો. જોકે, ઓફિશિયલ હાજરી પત્રકની યાદીમાં તેનો રોલ નંબર મેચ ન થતાં હાજર અધિકારીઓને શંકા ગઈ હતી. ક્રોસ વેરિફિકેશન દરમિયાન આ કોલલેટર સંપૂર્ણપણે નકલી (બોગસ) હોવાનું સાબિત થયું હતું. આ ગેરરીતિ બદલ વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ છેતરપિંડી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પંચમહાલ એસ આર પી ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલી શારીરિક કસોટી પ્રક્રિયામાં અમદાવાદના ધોળકાનો એક ઉમેદવાર બોગસ કોલ લેટર સાથે ઝડપાયો હતો જેની પૂછપરછમાં ખૂબ જ ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

