Washington,તા.16
ભારતમાં તાજેતરમાં NEET-UG પરીક્ષા રદ થવાની ઘટનાએ દેશની મેડિકલ પ્રવેશ પરીક્ષા પ્રણાલીની મોટી ખામીઓ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ વિવાદ વચ્ચે વૈશ્વિક સ્તરે લેવાતી અન્ય દેશોની પરીક્ષા પદ્ધતિઓ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિશ્વના ઘણા મોટા દેશો લાખો વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને અન્ય પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરે છે, પરંતુ ત્યાં પેપર લીક થવાની ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે. અમેરિકા, ચીન અને બ્રિટન જેવા દેશોએ એવી મજબૂત અને હાઈટેક સિસ્ટમ વિકસાવી છે, જ્યાં પેપર લીક થવું લગભગ અશક્ય બની જાય છે. આ દેશો હંગામી સ્કૂલ આધારિત પરીક્ષા કેન્દ્રોને બદલે કાયમી કમ્પ્યુટર આધારિત પરીક્ષા કેન્દ્રોનો ઉપયોગ કરે છે.
ભારતમાં 23 લાખથી વધુ ઉમેદવારો માટે એક જ દિવસે, પેપર આધારિત નીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાગત પદ્ધતિથી વિપરીત, વિશ્વના અન્ય દેશો કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ, પરીક્ષાની મલ્ટિપલ તારીખો અને મજબૂત ડિજિટલ સુરક્ષા પ્રોટોકોલનો ઉપયોગ કરે છે. ભારતમાં નીટ યુજી પરીક્ષા એક જ દિવસે દેશભરના હજારો કેન્દ્રો પર એક સમાન પ્રશ્નપત્ર સાથે લેવાય છે. આ માટે પ્રશ્નપત્રોનું દેશભરમાં પ્રિન્ટિંગ કરવું, તેનું વહન કરવું, સુરક્ષિત સંગ્રહ (સ્ટોરેજ) કરવો અને વિતરણ કરવું અત્યંત ગોપનીય રીતે કરવું પડે છે. અધિકારીઓના મતે આ તમામ તબક્કાઓ લીક અને ગેરરીતિ માટે સૌથી વધુ સંવેદનશીલ છે. જ્યારે અમેરિકા અને બ્રિટન જેવા દેશો મેડિકલ પ્રવેશ માટે સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત પરીક્ષા પર નિર્ભર છે.
ચીનમાં લેવાતી ‘ગાઓકાઓ’ પરીક્ષા વિશ્વની સૌથી મોટી પરીક્ષાઓમાંની એક ગણાય છે. આ પરીક્ષા અત્યંત કડક અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આયોજિત કરવામાં આવે છે. આ પરીક્ષા કેન્દ્રો પર હાઈ-રેઝોલ્યુશન સર્વેલન્સ કેમેરા, બાયોમેટ્રિક વેરિફિકેશન, સિગ્નલ જામર અને એન્ક્રિપ્ટેડ સિસ્ટમનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં, પ્રશ્નપત્રો છાપવા માટે પણ કડક દેખરેખ હેઠળની હાઈ-સિક્યોરિટી ફેસિલિટીઝનો ઉપયોગ કરવામાં આવે છે. ચીનમાં પરીક્ષા દરમિયાન વ્યક્તિગત સ્તરે નકલની નાની-મોટી ઘટનાઓ ભલે બને, પરંતુ ત્યાં મોટા પાયે પેપર લીક થવાની ઘટનાઓ ખૂબ જ દુર્લભ છે.
અમેરિકામાં મેડિકલ કોલેજ પ્રવેશ પરીક્ષા એટલે કે MCAT (મેડિકલ કોલેજ એડમિશન ટેસ્ટ) આખા વર્ષ દરમિયાન જુદી જુદી બહુવિધ તારીખો પર ખાસ તૈયાર કરાયેલા કાયમી પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવે છે. અહીં તમામ ઉમેદવારોને એક સરખું પ્રશ્નપત્ર આપવાને બદલે સોફ્ટવેર દ્વારા એક વિશાળ પ્રશ્ન બેન્કમાંથી અલગ-અલગ પ્રકારના ક્વેશ્ચન સેટ તૈયાર કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થીને અલગ સેટ મળવાના કારણે કોઈપણ એક પ્રશ્નપત્ર લીક થવાનું જોખમ સાવ નહિવત થઈ જાય છે.
બ્રિટનમાં પણ અમેરિકા જેવી જ આધુનિક અને સુરક્ષિત પરીક્ષા પ્રણાલી અમલમાં છે, જેને યુનિવર્સિટી ક્લિનિકલ એપ્ટિટ્યુડ ટેસ્ટ (UCAT) તરીકે ઓળખવામાં આવે છે. આ પરીક્ષાઓ કોઈ એક ચોક્કસ દિવસે નહીં, પરંતુ કેટલાય દિવસો કે અઠવાડિયા સુધી ઓનલાઇન માધ્યમથી ચાલે છે. આ સિસ્ટમમાં ઉમેદવારો સખત ઓનલાઇન મોનિટરિંગ અને સુરક્ષિત સોફ્ટવેરથી સજ્જ અધિકૃત કેન્દ્રો પર પોતાની અનુકૂળતા મુજબનો ટાઈમ સ્લોટ જાતે પસંદ કરી શકે છે.
ભારતમાં નીટ પરીક્ષાને સંપૂર્ણપણે ઓનલાઇન કે કમ્પ્યુટર આધારિત કરવી એટલી સરળ નથી, કારણ કે અહીં અંદાજે 25 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. આટલી મોટી સંખ્યા માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા સુવિધાઓનો વ્યાપક વિસ્તાર કરવો જરૂરી છે, જે હાલ પૂરતો ઉપલબ્ધ નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોમાં આ પ્રકારનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું મોટો પડકાર છે. આ ઉપરાંત દેશના કેટલાય અંતરિયાળ વિસ્તારોમાં નબળી ઇન્ટરનેટ કનેક્ટિવિટી, વારંવાર થતી વીજળી ગુલની સમસ્યા અને અપૂરતી ટેકનિકલ સહાય જેવી ખામીઓ ઓનલાઇન પરીક્ષા પદ્ધતિ લાગુ કરવામાં સૌથી મોટો અવરોધ બની રહી છે.

