New Delhi,તા.11
ભારતના ખાન-પાનની પેટર્ન વિશ્વના તમામ જી20 દેશો કરતાં સૌથી વધુ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ છે. ભારતની ખાણી-પીણી વિશ્વમાં શ્રેષ્ઠ હોવાનું તારણ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF) દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આપવામાં આવ્યું છે.
WWFના લિવિંગ પ્લાનેટ રિપોર્ટમાં જણાવાયું છે કે, જો 2050 સુધી અન્ય દેશો ભારતની જેમ જ ખાદ્યચીજોના ઉત્પાદન અને ખાણી-પીણીને સમર્થન કરે તો, પૃથ્વી અને પૃથ્વીના જલવાયુને થઈ રહેલા નુકસાનમાં મોટો ઘટાડો કરી શકાશે. ખાણીપીણીમાં પશ્ચિમી દેશોની તુલનાએ એશિયાઈ દેશો અગ્રેસર છે.
એશિયાઈ દેશોમાં ટકાઉ ખાણીપીણી
રિપોર્ટમાં ટકાઉ ખાનપાન અને હેલ્ધી ડાયટ મુદ્દે જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં ભારત પ્રથમ ક્રમે, ઈન્ડોનેશિયા 0.9 સાથે બીજા ક્રમે, ચીન (1.7) સાથે ત્રીજા ક્રમે, જાપાન (1.8) સાથે ચોથા ક્રમે છે. જ્યારે સૌથી ખરાબ ખાનપાનમાં છેલ્લા ક્રમે ઓસ્ટ્રેલિયા (6.8), છેલ્લેથી બીજા ક્રમે અમેરિકા (5.5) અને ત્રીજા ક્રમે બ્રાઝિલ (5.2) છે.
આ પશ્ચિમી દેશોમાં ખાનપાનમાં વધુ પડતું ફેટ અને શુગરનું સેવન થઈ રહ્યું છે. જેનાથી મેદસ્વીપણાની સમસ્યા વધી છે. આ દેશોમાં અઢી કરોડથી વધુ લોકો વધુ પડતું વજન ધરાવે છે. 89 કરોડ લોકો મેદસ્વીપણાનો ભોગ બન્યા છે.
અનાજ પ્રત્યે જાગૃતિ જરૂરી
રિપોર્ટમાં ભારતમાં વપરાતા અનાજના આહાર વિશે જાગૃતિ ફેલાવવા ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાં અનાજનું સેવન રોજબરોજની ખાણી-પીણીમાં થઈ રહ્યું છે. જે મજબૂત સ્વાસ્થ્ય માટે પોષક તત્ત્વો પૂરા પાડે છે. તદુપરાંત આબોહવા પરિવર્તનના થઈ રહેલા નુકસાનમાં ઘટાડો પણ કરી શકે છે.
વિશ્વના 41 ટકા અનાજનું ઉત્પાદન ભારતમાં
ભારત વિશ્વમાં ટોચનો અનાજ ઉત્પાદક દેશ છે. જે વિશ્વની કુલ માગના 41 ટકા અનાજનું ઉત્પાદન કરે છે. અનાજના વપરાશને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા નેશનલ મિલેટ કેમ્પેઇન, મિલેટ મિશન, અને ડ્રાઉટ મિટિગેશન પ્રોજેક્ટ જેવા અભિયાનો ચલાવવામાં આવે છે.

