પોલીસના પીછા દરમિયાન દીવાલ સાથે અથડાઈ કાર, ઈનોવા મૂકી બુટલેગર ફરાર ગામજનોમાં ભારે રોષ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૭ઃ
Jamnagar તાલુકાના ખીમરાણા ગામમાં મંગળવારે મોડી રાત્રે દારૂ ભરેલી ઈનોવા કાર બેફામ ગતિએ ઘૂસતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. પંચકોશી એ. ડિવિઝન પોલીસના પીછા દરમિયાન કારચાલકે પૂરઝડપે વાહન હંકારી ગામમાં પ્રવેશ કર્યો હતો અને સરકારી શાળાની પાછળના રસ્તા પાસે એક દીવાલ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારચાલક અંધારાનો લાભ લઈ કાર સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
ઘટનાને પગલે ખીમરાણા ગામના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ગામમાં દારૂ ભરેલી કાર બેફામ દોડાવનાર બુટલેગર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યા હતા.પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઈ. એ.આર. પરમાર તથા સ્ટાફ પ્રોહિબિશનના ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ટોયોટા કંપનીની ઈનોવા કાર નંબર જીજે-૧૦-બીજી-૩૨૩૪માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ફલ્લા તરફથી ખીજડિયા બાયપાસ તરફ લઈ જવાઈ રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ઈનોવા કાર દેખાતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કારચાલકે વાહન રોકવાને બદલે પૂરઝડપે દોડાવી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કારચાલક ખીમરાણા ગામમાં ઘૂસ્યો હતો અને સરકારી શાળાની પાછળના રસ્તા પાસે દીવાલ સાથે કાર અથડાઈ હતી. ત્યારબાદ આરોપી ઈનોવા કાર નંબર જીજે-૧૦-બીજી-૩૨૩૪ સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે કારની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ૪૭૦૪ ચપટા કબજે કર્યા હતા, જેની કિંમત રૂપિયા ૭,૦૫,૬૦૦ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ઈનોવા કાર કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦ સાથે કુલ રૂપિયા ૧૧,૦૫,૬૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલે પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી ઈનોવા કારના નંબરના આધારે ફરાર બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

