New Delhi, તા.6
હાલમાં જ જાહેર થયેલા કેન્દ્ર સરકારના બજેટ અને અમેરિકા સાથેની વ્યાપાર સમજૂતીથી દેશમાં સર્જાયેલ એક પોઝીટીવ અર્થતંત્રના સંકેત વચ્ચે રીઝર્વ બેન્કે આજે તેમની દ્વિમાસિક ધિરાણ નીતિમાં વ્યાજદર 5.25 ટકા યથાવત રાખ્યો છે.
દેશમાં ફુગાવાની સ્થિતિ સંતોષકારક હોવાની તથા અન્ય તમામ બેઝીક માપદંડોમાં કોઇ મહત્વપૂર્ણ ફેરફાર થયા ન હોવાથી આરબીઆઇએ હાલ અર્થતંત્ર માટે ટતસ્થ વલણ જાળવી રાખ્યું છે અને આર્થિક સર્વેમાં જણાવાયું હતું તે રીતે વિકાસ દર પણ 7.2 ટકા આસપાસ રહેશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે જેના કારણે હાલ બેેન્કોના ધિરાણ અને થાપણદરોમાં કોઇ ફેરફાર થશે નહીં તેવા સંકેત છે.
આરબીઆઇએ છેલ્લા એક વર્ષમાં 1.25 ટકા વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ હવે તેની પુરેપુરી અસર બેન્ક ગ્રાહકો સુધી પહોંચે તે જોવા માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.
બીજી તરફ લીકવીડીટી વધારવા માટે અનેક ઉપાયો કર્યા છે. સાથોસાથ રિઝર્વ બેન્કે એક મહત્વની જાહેરાતમાં બેન્ક ગ્રાહકો સાથે થતાં સાઇબર ફ્રોડમાં રુા.25 હજારનું વળતર બેન્ક ગ્રાહકને મળે તેવી નવી જોગવાઇ અમલમાં મુકી છે.
રીઝર્વ બેન્કના ગર્વનર સંજય મલ્હોત્રાએ આજે એક પત્રકાર પરિષદમાં બેન્કની નવી ધિરાણ નીતિ જાહેર કરવાની સાથે જણાવ્યું હતું કે બેન્ક ગ્રાહકોને સાયબર ફ્રોડનો સામનો કરવો પડી રહ્યો છે અને ગ્રાહકો તેમની બચત પણ ગુમાવી રહયા છે.
રિઝર્વ બેન્ક તેને રોકવા માટે અનેકવિધ પગલા લઇ રહી છે. જેમાં હવે ગ્રાહકોને વળતર મળે તેમ નાની રકમના સાયબર ફ્રોડમાં ગ્રાહકને રુા.25 હજારનું વળતર ચુકવવામાં આવશે. જેનું પુરું ફ્રેમવર્ક આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. શ્રી મલ્હોત્રાએ જણાવ્યું હતું કે સાયબર ફ્રોડ રોકવા માટે આરબીઆઇ વધુ આક્રમક રીતે પગલા લેશે.

