New Delhi, તા. 6
શ્રીલંકા સામે શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરીઝ પહેલાં ભારતનાં પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ રવિન્દ્ર જાડેજાની બોલિંગ માનસિકતામાં આવેલાં મોટા બદલાવને લઈને મહત્વની પ્રતિક્રિયા આપી છે.
પૂજારાએ કહ્યું કે જાડેજા હવે રેડ-બોલ ક્રિકેટમાં વધુ ખતરનાક અને આક્રમક બોલર બની ચૂક્યાં છે. 89 ટેસ્ટ મેચોમાં 25.12 ની શાનદાર એવરેજથી 348 વિકેટ લઈ ચૂકેલાં જાડેજા હવે ફક્ત રન રોકવાને બદલે દરેક બોલ પર બેટ્સમેનને આઉટ કરવાનાં ઇરાદાથી બોલિંગ કરે છે.
ડિફેન્સિવથી અટેકિંગ માઈન્ડસેટ સુધીની સફર
પૂજારાના જણાવ્યાં અનુસાર, પહેલાં જાડેજાની વિચારસરણી મુખ્યત્વે રન રોકવાની રહેતી હતી. તેમણે જણાવ્યું, ‘પહેલાં જ્યારે રવિન્દ્ર જાડેજા બોલિંગ કરતાં હતાં ત્યારે તેમની વિચારસરણી વધુ રન ન આપવાની રહેતી હતી.
જો પિચ પરથી થોડી મદદ મળતી હતી, ત્યારે જ તે વિકેટ લેવાનો પ્રયાસ કરતાં હતાં, નહીંતર તેમનું ધ્યાન ફક્ત રન રોકવા પર રહેતું હતું. પરંતુ હવે તે પોતાની અસલી તાકાતને સમજી ચૂક્યાં છે અને દરેક મેચમાં બોલને સ્ટમ્પની લાઈનમાં નાખીને બેટ્સમેનને આઉટ કરવાનો પ્રયાસ કરે છે.’

