Bhavnagar તા.18
જૈનોના પવિત્ર તીર્થધામ પાલીતાણામાં શેત્રુંજ્ય ડુંગર પર યાત્રા દરમિયાન ચેન્નાઈથી આવેલા એક જૈન પરિવારના સભ્ય પર ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ગુજરાતના અને હાલ ચેન્નાઈમાં હોમ એપ્લાયન્સીસનો વ્યવસાય કરતા દિનેશકુમાર ત્રિલોકચંદજી જૈન ઉં.વ. 44 પોતાના પરિવાર સાથે પાલીતાણા યાત્રાએ આવ્યા હતા. શુક્રવારે વહેલી સવારે આશરે 5:30 વાગ્યે તેઓ ડુંગર ચઢવાનું શરૂ કર્યું હતું. સવારે પોણા સાતેક વાગ્યાના સુમારે જ્યારે તેઓ પદમાવતી માતાજીના મંદિરથી આગળ પહોંચ્યા, ત્યારે અચાનક ચાર અજાણ્યા શખ્સોએ તેમને ઘેરી લીધા હતા.
હુમલાખોરો પૈકીના એક શખ્સે લોખંડનો છરો બતાવી દિનેશકુમારને પકડી રાખ્યા હતા અને તેમના ગળામાં રહેલો સોનાનો ચેઈન ખેંચવા લાગ્યા હતા. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં દિનેશકુમાર નીચે પડી ગયા હતા અને ચેઈન તૂટીને ત્રણ ટુકડા થઈ ગયો હતો. પાછળથી આવી રહેલા તેમના પત્ની કલ્પનાબેન અને દિનેશકુમારે બૂમાબૂમ કરતા ચારેય શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સદનસીબે, સોનાના ચેઈનના ટુકડા દિનેશકુમાર પાસે જ રહી જતા મોટી લૂંટ ટળી હતી, જોકે તેમને ગળાના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે.
પાલીતાણા ટાઉન પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 309(5), 115(1), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર બી. એમ. કરમટા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.
ડુંગર પર યાત્રીકોને યાત્રિકોની સલામતી માટે પ્રશ્નાર્થો ઊભા થયા છે આ સંજોગોમાં પેઢી દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવે અને પોલીસ તંત્ર પણ ગુનેગારોને તાત્કાલિક પકડી કાનૂની કાર્યવાહી કરે કારણ કે પાલીતાણા શેત્રુંજય ની યાત્રાએ માત્ર દેશભરમાંથી જ નહીં પણ વિદેશથી પણ યાત્રિકો સતત આવે છે આ સંજોગોમાં ડુંગર પર બનેલો આ બનાવ કોઈપણ હિસાબે હળવાશથી લઈ શકાય તેવા નથી આ પ્રશ્ન મુખ્યમંત્રી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના ને એક પત્ર લખી ભાવનગરના જૈન અગ્રણી દિવ્યકાંતભાઈ સલોતે માગણી કરેલ છે.
આ અંગે આ. ક. પેઢીના મેનેજર અપૂર્વ શાહને પૂછતા તેમણે કહ્યું કે મને આ વાતની કોઈ ખબર નથી અને ઘટના અંગે સિક્યુરિટી ને પૂછો તેવું કહીને પત્રકારોને ઉડાવ જવાબ આપેલ હતો. જ્યારે આ. ક. પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ મનીષભાઈ કનાડીયાને ઘટના અંગે પૂછતા તેમણે આ બનાવ બન્યો હોવા અંગે સમર્થન આપેલ હતો.
બે દિવસથી શેત્રુંજય પર્વત ઉપર લૂંટના બનાવો બની રહ્યા છે ત્યારે તા. 20-4 ને સોમવારના રોજ અખાત્રીજ અને વર્ષીતપના પારણા નો મહોત્સવ હોય અંદાજે 25,000 થી વધુ સંખ્યામાં યાત્રિકો આવનાર હોય અને તેઓ પણ ગિરિરાજની યાત્રા કરતા હોય તેમની સુરક્ષા નું શું ? તેવો સવાલ યાત્રિકોમાં ઉઠવા પામેલ છે. આ બનાવ થી સમગ્ર જૈન સમાજમાં ચકચાર મચી જવા પામી છે.
રાજ્યના ગૃહમંત્રી પોતે જૈન છે અને જૈન યાત્રીકો ઉપર જૈન તીર્થધામમાં જ લૂંટના બનાવો બની રહ્યા છે. ત્યારે ગિરિરાજની યાત્રા કરતાં યાત્રિકો અસલામતી અનુભવી રહ્યા છે. અને યાત્રિકો નિર્ભીક રીતે ગીરીરાજની યાત્રા કરી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

