Jamnagar તા.૧૧
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષના આ નિર્ણય બાદ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, અને વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓએ ’કેસરિયો’ ત્યાગીને ’હાથી’ની સવારી કરી છે.
જામનગર મનપાના વોર્ડ નંબર ૪ ના પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમ અને જડીબેન સરવૈયાને આ વખતે ભાજપે ટિકિટ ન આપતા પક્ષમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. લાંબા સમયથી પક્ષની સેવા કરતા આ નેતાઓની અવગણના થતા તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. માત્ર નારાજગી જ નહીં, પરંતુ કેશુભાઈ માડમે પોતાના ૧૦૦ જેટલા સક્રિય સમર્થકો સાથે ભાજપનો સાથ છોડી દીધો છે.
ભાજપના આંતરિક વિખવાદનો સીધો ફાયદો બહુજન સમાજ પાર્ટીને મળ્યો છે. જામનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં બસપાના ગુજરાત પ્રદેશ પ્રભારી અરવિંદ ગોહિલના હસ્તે કેશુભાઈ માડમ અને જડીબેન સરવૈયાએ વિધિવત રીતે ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે તેમના સમર્થકોએ પણ બસપામાં જોડાઈને ભાજપ સામે મોરચો માંડ્યો છે.
મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમે પોતાનો બળાપો કાઢતા પક્ષની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “પક્ષે નવી ગાઈડલાઈનના બહાને પાયાના કાર્યકરોની બલિ ચડાવી છે. અમે વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો એક કર્યો છે, પરંતુ જ્યારે ફળ આપવાની વાત આવી ત્યારે અમને અન્યાય કરવામાં આવ્યો છે. શું ભાજપમાં રહીને હંમેશા અમારે ચપ્પલ જ ઘસવાના? પક્ષ માટે હંમેશા કાર્ય કરીએ છતાં હોદ્દો ન આપે અને હવે તો હદ થઈ ગઈ, ટિકિટ પણ ન આપી!”
કેશુભાઈ માડમ વિસ્તારમાં મજબૂત પકડ ધરાવે છે, અને તેમના જવાથી વોર્ડ નંબર ૪ સહિત આસપાસના વિસ્તારોમાં ભાજપના મતોમાં ગાબડું પડવાની પૂરેપૂરી શક્યતા છે. ભાજપની ’નો-રિપીટ’ થીયરી અથવા નવી ગાઈડલાઈન સામે જે રીતે આક્રોશ ફાટી નીકળ્યો છે, તે જોતા આગામી દિવસોમાં અન્ય વોર્ડમાં પણ બળવાના સૂર ઉઠી શકે છે.
જામનગર મહાનગરપાલિકાની આ ચૂંટણી હવે માત્ર વિકાસના મુદ્દે નહીં, પણ સ્વાભિમાન અને અસંતોષના મુદ્દે પણ લડાશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે અને ’હાથી’ પર સવાર થયેલા પૂર્વ કોર્પોરેટરો ભાજપના ગઢમાં કેટલું નુકસાન પહોંચાડે છે.

