લોહીલુહાણ હાલતમાં તડફડતી મૂકી વાહનચાલક ફરાર
Mehsana,તા.૪
Mehsana જિલ્લાના ખેરાલુ-સતલાસણા હાઈવે પર એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મહેકુબપુરાથી અરઠી ગામ વચ્ચે રોડ ક્રોસ કરી રહેલી એક ૧૦ વર્ષીય માસૂમ બાળકીને પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક માનવતા નેવે મૂકીને વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાંજના સમયે ૧૦ વર્ષની બાળકી મહેસાણા જિલ્લાનો ખેરાલુ-સતલાસણા હાઈવે પર મહેકુબપુરા અને અરઠી ગામ વચ્ચે રસ્તો ઓળંગીને બીજી તરફ જઈ રહી હતી. આ દરમિયાન બેફામ ગતિએ આવી રહેલા એક અજાણ્યા વાહને તેને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી હવામાં ફંગોળાઈને દૂર પડી હતી અને ગંભીર ઈજાઓ થવાના કારણે તેને સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક બાળકીને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરતાં જ ખેરાલુ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે બાળકીના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.
હાલમાં પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને હાઈવે પરના સીસીટીવી ફૂટેજના આધારે તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર વાહનોની બેફામ ગતિ અને આ અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર અને વાહનચાલકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

