Mirzapur,તા.16
યુપીના ભદોહીના બીજેપી સાંસદ વિનોદ બિંદની મિર્ઝાપુર ઓફિસમાં મટન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસપાસના ગામોના 250 જેટલા લોકોએ ભાગ લીધો હતો. લોકો ઓફિસની અંદર ફ્લોર પર બેસીને મટન સ્ટયૂની મજા માણી રહ્યા હતા.
બધું સામાન્ય થઈ રહ્યું હતું. પરંતુ પાર્ટીમાં વાતાવરણ ત્યારે બદલાઈ ગયું જ્યારે ભાજપના સાંસદના ડ્રાઈવરના ભાઈએ પાર્ટીમાં આવેલા યુવકને બોટીને બદલે માત્ર ગ્રેવી પીરસી. બોટીને બદલે ગ્રેવી મળતા યુવક ગુસ્સે થયો હતો.
આરોપ છે કે, તેણે અપશબ્દો બોલીને વાંધો ઉઠાવ્યો અને તેણે પીરસનારને જોરદાર થપ્પડ મારી હતી. આ ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. થોડી જ વારમાં સાંસદની ઓફિસમાં ચાલી રહેલી પાર્ટી યુદ્ધનું મેદાન બની ગઈ હતી. અહીં બંને પક્ષો વચ્ચે જોરદાર લાતો અને મુક્કાબાજી થઈ હતી. લડાઈ જોઈને કતારમાં બેઠેલા લોકો પતરાળા લઈને ભાગી ગયા.
આ સમગ્ર મામલો મિર્ઝાપુરના મઝવાન વિધાનસભા ક્ષેત્રના કરસાડાનો છે, જ્યાં 14 નવેમ્બર ભદોહીના સાંસદ વિનોદ બિંદના કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં બે પક્ષો સામસામે આવી ગયા હતા.
બંને વચ્ચે મારપીટ થઈ હતી. કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. સમગ્ર કાર્યક્રમમાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. કહેવામાં આવ્યું હતું કે ફૂડમાં બોટીને બદલે માત્ર ગ્રેવી પીરસવાને કારણે વિવાદ થયો હતો, જે બાદમાં હિંસક બની ગયો હતો.
લડાઈ દરમિયાન કેટલાક યુવાનો ઘાયલ થયાના સમાચાર છે.આ સમગ્ર ઘટના પર, બીજેપી સાંસદના કાર્યાલય પ્રભારી ઉમાશંકર બિંદે જણાવ્યું હતું કે પાડોશના ગામના કેટલાક લોકો રાત્રે દારૂના નશામાં એકબીજા સાથે ઝઘડ્યા હતા.

