(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦ઃ
Jamnagar શહેરના સિટી ‘‘સી‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંધાશ્રમ આવાસ નજીક રેલવે બ્રિજ પાસે રેલવે ટ્રેક પરથી એક અજાણ્યા વૃદ્ધ પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ તા. ૦૯/૦૬/૨૦૨૬ ના રોજ બપોરે આશરે ૧૩૦ કલાક પહેલાં કોઈપણ સમયે અંધાશ્રમ આવાસ પાસે રેલવે પોલ નં. ૮૩૦/૧૮ થી ૮૩૦/૨૦ વચ્ચેના રેલવે ટ્રેક ઉપર આશરે ૬૦ વર્ષના અજાણ્યા પુરુષ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. બનાવની જાણ થતાં શહેર ‘‘સી‘‘ ડિવિઝન પોલીસ તથા રેલવે કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં મૃતક રેલવે ટ્રેન સાથે અથડાતા અકસ્માતે મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ-૧૯૪ મુજબ અકસ્માત મોત અંગે નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તેમજ તેના વારસદારોને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકની ઉંમર આશરે ૬૦ વર્ષ હોવાનું અનુમાન છે. હાલમાં મૃતકની ઓળખ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. મૃતદેહને જરૂરી કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે.
શહેર ‘‘સી‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ્પેક્ટર આર.એલ. કંડોરીયા દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
જો કોઈ વ્યક્તિ આ અજાણ્યા મૃતકની ઓળખ અંગે માહિતી ધરાવતી હોય અથવા મૃતકના પરિવારજનો વિશે જાણતી હોય તો તેઓએ તાત્કાલિક શહેર ‘‘સી‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગર અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી પોલીસને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

