Ahmedabad,તા.૧૨
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ અમદાવાદ શહેરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓ અને વિવિધ સોસાયટીના મંડળો સરળતાથી પરિવાર અને મિત્રો સાથે મંદિરોના દર્શન કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ દ્વારા વિશેષ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વિશેષ સેવા ૧૨ ઓગસ્ટથી શરૂ થઈને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન એટલે કે ૧૧ સપ્ટેમ્બર સુધી કાર્યરત રહેશે. શ્રદ્ધાળુઓ ૮ કલાકના સમયગાળા માટે આખી બસ બુક કરાવીને શહેરના વિવિધ પ્રખ્યાત શિવ મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોનો દર્શન પ્રવાસ કરી શકશે.
એએમટીએસ દ્વારા આ વિશેષ ધાર્મિક પ્રવાસ સેવા માટે મુસાફરોના અનુકૂળ ભાડા દરો નક્કી કરવામાં આવ્યા છે.એએમટીએસની હદ વિસ્તારમાં આવેલા મંદિરોના દર્શન માટે ૮ કલાકની બસનું ભાડું ૩,૦૦૦ નક્કી કરાયું છે. જ્યારે એએમટીએસ હદ બહારના વિસ્તારોમાં આવેલા મંદિરોના દર્શન માટે આ ભાડું ૫,૦૦૦ રાખવામાં આવ્યું છે.
આ સેવામાં એક બસમાં વધુમાં વધુ ૪૦ મુસાફરો મુસાફરી કરી શકશે. આયોજકોના જણાવ્યા મુજબ, ગ્રુપમાં દર્શન માટે જતા મંડળો અને સોસાયટીના રહીશો માટે આ દરો અત્યંત કિફાયતી અને આરામદાયક સાબિત થશે.
આ વિશેષ બસ સેવા અંતર્ગત અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલા જાણીતા ધાર્મિક સ્થળોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં નગરદેવી ભદ્રકાળી મંદિર, ઐતિહાસિક જગન્નાથજી મંદિર, એસ.જી. હાઈવે પર આવેલું વૈષ્ણોદેવી મંદિર, સેટેલાઈટ સ્થિત ઇસ્કોન મંદિર તેમજ શહેરના વિવિધ પ્રાચીન શિવાલયોનો સમાવેશ થાય છે.
મુસાફરો પોતાની પસંદગી મુજબ ૮ કલાકના સમયગાળામાં નક્કી કરેલા રૂટ મુજબ દર્શન પ્રવાસનું આયોજન કરી શકશે. બસમાં આરામદાયક બેઠક વ્યવસ્થા હોવાથી વરિષ્ઠ નાગરિકો માટે પણ આ પ્રવાસ ખૂબ સગવડભર્યો રહેશે.
એએમટીએસ દ્વારા આ સેવા માટે શહેરીજનોને સરળતા રહે તે માટે ચાર મુખ્ય ટર્મિનસ પર બુકિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ લાલદરવાજા, મણિનગર, સારંગપુર અને વાડજ એએમટીએસ ટર્મિનસ ખાતેથી પોતાની બસનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે.
બુકિંગ કરાવવા માટે મુસાફરોએ પ્રવાસના એક દિવસ અગાઉ સવારે ૮ઃ૦૦ વાગ્યાથી સાંજે ૬ઃ૦૦ વાગ્યા દરમિયાન સંબંધિત બુકિંગ કાઉન્ટર પર જઈને નોંધણી કરાવવાની રહેશે. વહેલા તે પહેલાના ધોરણે આ બસ ફાળવણી કરવામાં આવશે.

