New Delhi,તા.30
દેશભરમાં ગાજેલા નીટ-પેપર લીક પ્રકરણમાં આખરે સીબીઆઈએ દિલ્હીની ફાસ્ટટ્રેક કોર્ટમાં 20000 પાનાનું ચાર્જશીટ તો દાખલ કર્યુ પણ તેને સપોર્ટ કરતા દસ્તાવેજો અધુરા હોવાથી તેના પર તા.3 ઓગષ્ટના સુનાવણી થશે.
અગાઉ ગત સોમવારે ખાસ કોર્ટના પ્રારંભે જ સીબીઆઈના ધારાશાસ્ત્રી હાજર નહી હોવાની તારીખ પડી હતી. હવે ઉતાવળમાં ચાર્જશીટ દાખલ કર્યુ પણ તેમાં સંબંધીત દસ્તાવેજો અધુરા હતા તેથી ન્યાયમૂર્તિ અનુ ગોયલને સુનાવણી તા.3 ઓગષ્ટ પર મુલત્વી રાખવાની ફરજ પડી છે.
ચાર્જશીટમાં 13ના નામ છે જેમાં ટેસ્ટીંગ એજન્સીના બાયોલોજી નિષ્ણાંત મનીષા મંધારે કેમેસ્ટ્રીના નિષ્ણાંત પ્રહલાદ વિથવરાવ કુલકર્ણી તથા ફિઝીકસના નિષ્ણાંત મનીષા સંજય હવાલદારને મુખ્ય આરોપી ગણાવાયા છે.
જયારે અન્ય કોચીંગ કલાસ સંચાલકો અને વચેટીયા છે તથા પુત્ર માટે પેપર ખરીદનાર તબીબ પિતા પણ આરોપી છે. જેમાં મહારાષ્ટ્રમાં અનેક શહેરોમાં કોચીંગ કલાસ ચલાવનાર સામેલ છે. જેમાં શિવાજી રઘુનાથ જે લાતુરમાં રેનુકાઈ કોચીંગ ઈન્સ્ટીટયુટ ચલાવે છે તે પેપર વેચવામાં માસ્ટર માઈન્ડ છે.
તેણે કેમેસ્ટ્રીના પ્રશ્ન રૂા.5 લાખમાં ખરીદ્યા હતા. આજ રીતે ત્રણ ફેકલ્ટીને નાણા આપી પ્રશ્નો મેળવ્યા હતા. કુલ 111 પ્રશ્નો ફુટી ગયા હતા. જેમાં ડો. મનોજ થિરૂકે જે લાતુરમાં ખાનગી હોસ્પિટલ ચલાવે છે. તેણે પહેલા પોતાના પુત્ર માટે પ્રશ્નો ખરીદ્યા હતા તથા બાદમાં તેણે પણ અન્યને વેચ્યા હતા અને તેમાં કુલકર્ણી નામના એક વ્યક્તિ એજન્ટ હતો.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી તો અંધારામાં જ રહી હતી. તા.3 મેના પરિક્ષા લેવાઈ હતી પણ તે પછી તા.7 મેના રોજ બહાર આવ્યુ કે પરિક્ષા પુર્વે જ જવાબ સાથેના પ્રશ્નો વેચાયા હતા. જેમાં પુરી પીડીએફ મૂળ પેપર સાથે સામ્યતા ધરાવતી હતી.

