(નયના દવે દ્વારા)
Jamnagar તા.૯
Jamnagarના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે હાથ ધરાયેલી સઘન કામગીરી દરમિયાન મહત્વની સફળતા મળી છે. એલ.સી.બી.ની ટીમે ખાનગી બાતમીના આધારે બેડેશ્વર વિસ્તારના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા સદામ ઉર્ફે સદામડી અનવરભાઈ અબાસભાઈ સાઇચાની ધરપકડ કરી હતી.તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી ચોરી કરેલી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (કિંમત રૂ. ૨૦ હજાર) તેમજ યામાહા આર-૧૫ મોટરસાયકલ (કિંમત રૂ. ૭૦ હજાર) મળી આવી હતી. આમ કુલ રૂ. ૯૦ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીના પગલે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બેડી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ચોરીના ગુનાઓનો સફળ ભેદ ઉકેલવામાં આવ્યો છે. આરોપી સામે અગાઉ પણ ચોરી, પ્રોહિબિશન તથા અન્ય ગુનાઓ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. વી. ભાટીયા તથા એલ.સી.બી.ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી સફળતાપૂર્વક પાર પાડી હતી. આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

