ભારતીય મજદૂર સંઘની સફળ રજૂઆત ધ્યાને લેતી હાઇકોર્ટ
Dwarka,તા.15
દ્વારકા નગરપાલિકાના આશરે ર૭ કામદારોએ ઔદ્યોગિક ન્યાયપંચ, જામનગર સમક્ષ તેમના યુનિયન જામનગર જિલ્લા મજદૂર સંઘ મારફત કાયમી કરવાનો વિવાદ ઉપસ્થિત કરી રજૂઆત કરેલી છે. આ કેસોમાં સંકળાયેલા ર૭ કામદારો સંસ્થામાં છેલ્લા ઘણા વર્ષોથી અલગ-અલગ હોદ્દાઓ પર સળંગ રીતે કાયમી પ્રકારની કામગીરી કરતાં હોવા છતાં તેઓને કાયમી કરવામાં આવતા નથી કે કાયમી કર્મચારીઓને મળતાં લાભો ચૂકવવામાં આવતાં નથી દરેક વર્ષમાં ર૪૦ દિવસ કરતાં વધુ સમયની નોકરી કરેલી હોવા છતાં તેઓને કાયમી લાભોથી વંચિત રાખવામાં આવે છે. ઘણું આર્થિક નુકસાન જાય છે. સંસ્થાએ યુનિયનની માંગણી ચાલવાપાત્ર બનતી ન હોવાનું જણાવી કેસો રદ કરવા રજૂઆત કરી હતી. ઔદ્યોગિક ન્યાયપંચ, જામનગરે બંને પક્ષોની રજૂઆતો, પૂરાવાઓ, દલીલો સાંભળ્યા બાદ યુનિયનની માંગણી ગ્રાહ્ય રાખી હાલના ગ્રુપ શ્રમયોગીઓને ર૪૦ દિવસની નોકરી પૂરી થયેથી વર્ગ-૪ માં કાયમી કામદાર તરીકે રાખવાનો સંસ્થાને સને ૨૦૧૭માં આદેશ આપેલ હતો. ઉપરોક્ત ચૂકાદને દ્વારકા નગરપાલિકા દ્વારા હાઈકોર્ટ સમક્ષ પડકારેલા હતા જેમાં લંબાણપૂર્વકની દલીલો બાદ હાઈકોર્ટે તા.૧૧-૦૨-૨૦૨૪ના હુકમથી સંસ્થાની પીટીશનો રદ કરી છે. ન્યાયપંચનો કામદારોને કાયમી કરવાના ચૂકાદાઓ મંજુર રાખેલ છે. આ કેસો ભારતીય મજદૂર સંઘના હસુભાઈ દવેના માર્ગદર્શન હેઠળ ઔદ્યોગિક ન્યાયપંચ, જામનગર સમક્ષ પંકજભાઈ રાયચૂરા અને યુનિયન વતી હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જીત રાજ્યગુરૂ રોકાયા હતા.

