New Delhi,તા.૧૦
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતનટાટાનું ૮૬ વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે, તેમને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.કહેવાય છે કે રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તમને જણાવી દઈએ કે રતન ટાટાએ માર્ચ ૧૯૯૧થી ડિસેમ્બર ૨૦૧૨ સુધી ટાટા સન્સના ચેરમેન તરીકે ટાટા ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું.આ પહેલા ગયા સોમવારે રતન ટાટાની તબિયત ખરાબ હોવાના અહેવાલો આવ્યા હતા. કહેવાય છે કે રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ગઇકાલે મોડી રાત્રા તેમનું નિધન થયું હતું તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી રતન ટાટાના અંતિમ સંસ્કાર આજે મુંબઇના વર્લી સ્મશાન ધાટ પર કરવામાં આવ્યા હતાં. તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતાં.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશની અનેક ઔદ્યોગિક હસ્તીઓએ પણ શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ પુરસ્કાર મેળવનાર રતન ટાટાના દુઃખદ અવસાનથી ભારતે એક પ્રતિક ગુમાવ્યું છે જેણે કોર્પોરેટ વિકાસને રાષ્ટ્ર નિર્માણ અને નૈતિકતા સાથે શ્રેષ્ઠતાનું મિશ્રણ કર્યું હતું. તેમણે ટાટાના મહાન વારસાને આગળ વધાર્યો અને તેને વધુ પ્રભાવશાળી વૈશ્વિક હાજરી આપી. તે અનુભવી વ્યાવસાયિકો અને યુવા વિદ્યાર્થીઓને એકસરખું પ્રેરણા આપે છે. પરોપકારમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. હું તેમના પરિવાર, ટાટા ગ્રૂપની સમગ્ર ટીમ અને વિશ્વભરમાં તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે રતન ટાટા એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં, તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. પીએમ મોદીના મતે, રતન ટાટાના સૌથી અનોખા પાસાઓમાંનું એક મોટું સપનું જોવાનું અને પાછું આપવાનો તેમનો જુસ્સો હતો. તેઓ શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, પશુ કલ્યાણ જેવા મુદ્દાઓને સમર્થન આપવા માટે મોખરે હતા.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મારું મન રતન ટાટા સાથેની અગણિત વાતચીતથી ભરાઈ ગયું છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે વિવિધ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા હતા. મને તેમનો પરિપ્રેક્ષ્ય ખૂબ સમૃદ્ધ લાગ્યો. હું દિલ્હી આવ્યો ત્યારે આ વાતચીત ચાલુ રહી. તેમના નિધનથી ખૂબ જ દુઃખી. દુઃખની આ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર, મિત્રો અને ચાહકો સાથે છે.
તેમની રાજકીય કારકિર્દીના વિવિધ તબક્કા દરમિયાન ટાટા સાથે લીધેલા પોતાના ફોટા પોસ્ટ કરતા પીએમ મોદીએ કહ્યું કે, રતન ટાટાજી સાથેની અસંખ્ય મુલાકાતોથી મારું મન ભરાઈ ગયું છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે ટાટાએ તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સુધારવા માટેની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે ઘણા ચાહકો જીત્યા હતા.
વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રતન ટાટા દીઘર્દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ હતા. તેમણે બિઝનેસ અને પરોપકાર બંને પર અમીટ છાપ છોડી છે. મારી સંવેદના તેમના પરિવાર અને ટાટા ગ્રુપ સાથે છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ખડગેએ કહ્યું કે તેમના નિધનથી આપણે ભારતનો એક અમૂલ્ય પુત્ર ગુમાવ્યો છે. તેમણે કહ્યું, રતન ટાટા એક ઉત્કૃષ્ટ પરોપકારી હતા, જે પ્રામાણિકતા અને નૈતિક નેતૃત્વનો પર્યાય છે. ભારતના સમાવેશી વિકાસ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા સર્વોપરી રહી. તેઓ લાખો લોકો માટે પ્રેરણા અને રોલ મોડેલ હતા. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. મારી સંવેદના તેમના પ્રિયજનો અને ચાહકો સાથે છે.
ગૃહમંત્રી અમિત શાહે પણ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શાહના મતે, ટાટાએ નિઃસ્વાર્થપણે પોતાનું જીવન આપણા રાષ્ટ્રના વિકાસ માટે સમર્પિત કર્યું. હું જ્યારે પણ તેમને મળ્યો ત્યારે ભારત અને તેના લોકોની સુખાકારી પ્રત્યેનો તેમનો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા મને આશ્ચર્યચકિત કરી દેતી હતી. આપણા દેશ અને લોકોના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે લાખો સપના સાકાર થયા. તે આપણા હૃદયમાં જીવશે. મારા વિચારો ટાટા ગ્રુપ અને તેમના અસંખ્ય ચાહકો સાથે છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમને ’દેશના મહાન પુત્ર’ ગણાવતા ગડકરીએ સોશિયલ મીડિયા હેન્ડલ એકસ પર લખ્યું, મારા રતન ટાટા સાથે ત્રણ દાયકાથી ગાઢ પારિવારિક સંબંધો હતા.
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ રતન તાતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટાટાને ઉદ્યોગના વિશાળ અને સાચા રાષ્ટ્રીય પ્રતિક તરીકે વર્ણવ્યા. માઝીએ કહ્યું કે, રતન ટાટાનું દૂરંદેશી નેતૃત્વ, નીતિશાસ્ત્ર પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને ભારતના વિકાસમાં અપાર યોગદાન આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. તેમનો વારસો હંમેશ માટે જીવંત રહેશે.
ઝારખંડના પૂર્વ સીએમ અને ઓડિશાના ગવર્નર રઘુબર દાસે પણ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ટાટાની વિદાય એ માત્ર ઉદ્યોગ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક અપુરતી ખોટ છે. તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ, ટાટા જૂથની કંપનીઓએ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. દેશની અર્થવ્યવસ્થા, વેપાર અને ઉદ્યોગને વેગ આપવાની સાથે તેમણે યુવા ઉદ્યોગ સાહસિકોને પણ ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. રાષ્ટ્રની સેવામાં તેમના અમૂલ્ય યોગદાન માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેને ભારતીય વેપાર અને સમાજ માટે અપુરતી ખોટ ગણાવી હતી. બેનર્જીએ કહ્યું કે ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન ભારતીય ઉદ્યોગના અગ્રણી નેતા અને જાહેર ભાવના ધરાવતા પરોપકારી હતા.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સ્ટાલિને કહ્યું કે ટાટા નમ્રતા અને કરુણાના પ્રતીક હતા. તેમના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વએ માત્ર ટાટા ગ્રૂપને જ આકાર આપ્યો ન હતો પરંતુ નૈતિક વ્યાપાર પ્રથાઓ માટે વૈશ્વિક ધોરણ પણ સ્થાપિત કર્યું હતું. રાષ્ટ્રનિર્માણ, નવીનતા અને પરોપકાર પ્રત્યેના તેમના અથાક સમર્પણએ લાખો લોકોના જીવન પર અમીટ છાપ છોડી છે.
શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ પણ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આદિત્યએ કહ્યું કે, માત્ર ભારતે જ નહીં પરંતુ માનવતાએ એક દયાળુ નેતા ગુમાવ્યા છે. તેઓ એક બિઝનેસ ટાયકૂન હતા જેઓ પરોપકારમાં પણ શ્રેષ્ઠ હતા. આવા આત્માઓ દુર્લભ છે.

