Mumbai,તા.09
હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ના પ્રીમિયર શો (૪ ડિસેમ્બર) દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. ભીડ કાબૂ બહાર જતાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં ૩૫ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું અને તેનો ૧૩ વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો. આ મામલાને લગતું એક નવું અપડેટ સામે આવ્યું છે. રવિવારે, ૮ ડિસેમ્બરે, થિયેટરમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં સંધ્યા થિયેટરના માલિક, થિયેટરના મેનેજર તેમજ લોઅર બાલ્કની-અપર બાલ્કનીના મેનેજરનો સમાવેશ થાય છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ પર યોગ્ય સુરક્ષા પગલાં લાગુ કરવામાં બેદરકારીનો આરોપ છે. તેમને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. સુપરસ્ટાર અલ્લુ અર્જુનને જોવા માટે મોટી ભીડ એકઠી થઈ ત્યારે નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે ભીડને કાબૂમાં કરી શકાઈ ન હતી અને અરાજકતા સર્જાઈ હતી.
ચિક્કડપલ્લી એસીપી એલ રમેશ કુમારે જણાવ્યું હતું કે, “આજે તપાસ દરમિયાન, અમે ઘટના સાથે સંબંધિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. અમે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. અને ઈજાગ્રસ્ત બાળક હવે સ્વસ્થ થઈ રહ્યો છેપ”
તમને જણાવી દઈએ કે, ઘટના બાદ મૃતકના પરિવારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભારતીય ન્યાયિક સંહિતાની કલમ ૧૦૫ અને ૧૧૮ (૧) સાથે ૩ (૫) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના ડીસીપી અક્ષાંશ યાદવે જણાવ્યું હતું કે, “ફરિયાદ મુજબ, થિયેટર મેનેજર, અભિનેતા અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમને આરોપી બનાવવામાં આવ્યા છે. અમારે એ ઓળખવું પડશે કે તે સમયે તેની સુરક્ષા ટીમમાં કોણ હાજર હતું અને કોણે લોકોને ધક્કો માર્યો હતો, જેના કારણે આ સ્થિતિ ઉભી થઈપ અમારી પોલીસ બંદોબસ્ત ત્યાં હતો, અને પોલીસ તરફથી કોઈ ક્ષતિ રહી નથી. ‘‘તપાસ ચાલુ છે.’’

