ન્યાયની લડતમાં અમરેલી જિલ્લાના ગ્રામસેવકો એકજૂથ, આગામી કાર્યક્રમોમાં સંપૂર્ણ સહભાગિતાની હાકલ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૯ઃ
રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગ્રામસેવકોના વર્ષોથી પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓના ન્યાયી ઉકેલ માટે તા. ૯ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે અમરેલી જિલ્લાના તમામ ગ્રામસેવકશ્રીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી સરકારશ્રી સમક્ષ પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.
કાળી પટ્ટી ધારણ કરવાનો આ કાર્યક્રમ માત્ર વિરોધનું પ્રતિક નથી, પરંતુ ગ્રામસેવકોની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવાનો સંયમિત અને લોકશાહી માર્ગૅ કરવામાં આવેલ સંદેશ છે.
અમરેલી જિલ્લા ગ્રામસેવક મંડળે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા આગામી દિવસોમાં જે પણ કાર્યક્રમ કે આદેશ આપવામાં આવશે તેમાં અમરેલી જિલ્લાના દરેક ગ્રામસેવક સંપૂર્ણ એકતા અને શિસ્ત સાથે સહભાગી થશે. ન્યાયની આ લડતમાં કોઈપણ ગ્રામસેવક પાછળ નહીં રહે અને સંગઠનના દરેક નિર્ણયને મજબૂતીથી સાથ આપવામાં આવશે
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની ન્યાયની લડતને મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તરાખંડ સહિતના વિવિધ રાજ્યોના ગ્રામસેવક સંગઠનો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે તેમજ જરૂર પડે ત્યારે આંદોલનમાં જોડાવાની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના વિવિધ કર્મચારી મંડળો દ્વારા પણ પત્રો મારફતે આ લડતને સમર્થન આપવામાં આવ્યું છે.
આ રીતે દેશના વિવિધ રાજ્યોના સંગઠનો તથા ગુજરાતના કર્મચારી સંગઠનોનું સમર્થન મળતાં આગામી દિવસોમાં આ લડત વધુ વ્યાપક અને મજબૂત બનવાની શક્યતા છે.અમરેલી જિલ્લા ગ્રામસેવક મંડળે અંતમાં જણાવ્યું હતું કે, ‘‘અમારી લડાઈ કોઈ વ્યક્તિ કે સરકાર વિરુદ્ધ નથી, પરંતુ ન્યાય અને હક માટેની છે. સરકારશ્રી ગ્રામસેવકોની પડતર માંગણીઓ અંગે હકારાત્મક અભિગમ અપનાવી વહેલી તકે યોગ્ય નિર્ણય કરશે તેવી અમને સંપૂર્ણ આશા છે. પરંતુ જો ન્યાય નહીં મળે તો ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના આદેશ અનુસાર અમરેલી જિલ્લાના ગ્રામસેવકો એકજૂથ થઈ આગામી દરેક કાર્યક્રમમાં મજબૂતીથી જોડાશે.’’

