Vadodar,તા.૪
ગ્રામ્ય જિલ્લાના ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હાઈબ્રીડ ગાંજાના વેચાણ સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (એ.એન.ટી.એફ) વડોદરા ઝોન દ્વારા સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ મળેલી ખાનગી બાતમીના આધારે કુંઢેલા રોડ નજીક મોસમપુરા ગામ, યુનિવર્સિટી રોડ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી સી.આઈ.ડી. ક્રાઈમ હેઠળ પોલીસ અધિક્ષક વિવેક ભેડાના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક કે.ડી. ખાંભલાના સુચનાનુસાર હાથ ધરાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.ઝેડ. વસાવા અને તેમની ટીમે સ્થળ પર તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
પોલીસ તપાસમાં આરોપીઓ પાસે રહેલી ટુ-વ્હીલરની ડેકીમાંથી કુલ ૨૬૭ ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસએ સ્થળ પર જ ત્રણેય આરોપીઓને કાબૂમાં લઈ લીધા હતા, જ્યારે એક અન્ય આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલા આરોપીઓમાં દિનેશભાઈ રામજીભાઈ ઠાકોર (ઉંમર ૩૪, કેલનપુર), વિશાલ અરવિંદભાઈ પરમાર (ઉંમર ૩૨) અને રાજ કાલીદાસ ઓંગણીયા (ઉંમર ૨૮, સર્વોદય નગર)નો સમાવેશ થાય છે. જ્યારે વાપીનો આસીફ નામનો આરોપી હાલ ફરાર છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૧૦.૩૩ લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યા છે, જેમાં ૨૬૭ ગ્રામ ગાંજો, ત્રણ મોબાઇલ ફોન, એક ટુ-વ્હીલર, રોકડ રકમ અને અન્ય સામાનનો સમાવેશ થાય છે.
આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. ગરાસીયાની ફરિયાદના આધારે એન.ડી.પી.એસ. અધિનિયમ ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૦(બી)(અ) અને ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કેસની વધુ તપાસ ડભોઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
