Ahmedabad,તા.૧૩
ગુજરાત પોલીસ ભરતીમાં થર્ડ જેન્ડર એટલે કે ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ કેટેગરીની જોગવાઈ ન હોવાના મુદ્દે Gujarat High Court મહત્ત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. ટ્રાન્સજેન્ડર ઉમેદવારની અરજીને પગલે ભરતી પ્રક્રિયામાં એક જગ્યા ખાલી રાખવા પોલીસ ભરતી બોર્ડને નિર્દેશ આપવામાં આવ્યો છે. અરજદારની માગણી છે કે પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ કેટેગરી નક્કી કરવામાં આવે અને તેમને બંધારણીય જોગવાઈઓ મુજબ સમાન તક આપવામાં આવે.
ભાવનગરની ૩૫ વર્ષીય ટ્રાન્સજેન્ડર ઉમેદવારે ગુજરાત પોલીસની બિનહથિયારધારી કોન્સ્ટેબલ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ભરતી માટેના ઓનલાઇન અરજીપત્રકમાં માત્ર પુરુષ અને મહિલા એમ બે જ કેટેગરી ઉપલબ્ધ હોવાથી અરજદારે ડીજીપી કચેરીનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ આધારકાર્ડમાં દર્શાવેલી ઓળખના આધારે તેમને મહિલા કેટેગરીમાં અરજી કરવા જણાવાયું હતું. જોકે, અરજદાર પાસે ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ) એક્ટ, ૨૦૧૯ હેઠળનું ઓળખ પ્રમાણપત્ર પણ છે.
અરજદારે શારીરિક કસોટી સફળતાપૂર્વક પાસ કરી હતી અને લેખિત પરીક્ષામાં ૯૪ ગુણ મેળવ્યા હતા. જોકે, એસઇબીસી મહિલા કેટેગરીનું કટ-ઓફ ૯૮.૫ ગુણ રહેતાં તેઓ પસંદગી પામી શક્યાં નહોતાં. આ પછી અરજદારે ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ કેટેગરી અને યોગ્ય કટ-ઓફ નક્કી કરવાની માગ સાથે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.અરજદાર તરફથી વકીલ હન્નાન એચ. કુરેશીએ રજૂઆત કરી હતી કે, ભરતી પ્રક્રિયામાં માત્ર પુરુષ અને મહિલા એમ બે કેટેગરી રાખવામાં આવતાં ટ્રાન્સજેન્ડર ઉમેદવારોને તેમની ઓળખ મુજબ અરજી કરવાની તક મળતી નથી. આ સ્થિતિ સમાનતાના અધિકાર અને રોજગારમાં સમાન તકના સિદ્ધાંત સામે પ્રશ્ન ઊભો કરે છે. સુપ્રીમ કોર્ટના ૨૦૧૪ના નાલસા ચુકાદામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને ત્રીજી જાતિ તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેથી ભરતી પ્રક્રિયામાં પણ તેમની ઓળખ અને અધિકારોને અનુરૂપ જોગવાઈ હોવી જરૂરી હોવાની દલીલ કરવામાં આવી હતી.
Gujarat High Court આ મામલે ભરતી બોર્ડને એક જગ્યા ખાલી રાખવાનો નિર્દેશ આપ્યો છે, જેથી અરજીનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી તે જગ્યા અન્ય ઉમેદવારને ફાળવવામાં ન આવે. કોર્ટમાં હવે ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ કેટેગરીની જોગવાઈ અને ભરતીમાં સમાન તકના મુદ્દે આગળની કાર્યવાહી મહત્વપૂર્ણ રહેશે. આ મામલે આગામી સુનાવણી ૫ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ નિયત કરવામાં આવી છે.

