સૂત્રધાર સહીત પાંચ દિવસના રિમાન્ડ પર : ત્રણની શોધખોળ
ચારેક વિદ્યાર્થીઓને રાજેશ પેથાણીએ શોર્ટ કટથી ઉંચા ગુણ મેળવવા દોરી સંચાર આપ્યાનો ખુલાસો
Rajkot,તા.09
રાજકોટની રોયલ એકેડેમીના સંચાલક રાજેશ પેથાણી આણી ટોળકીએ જેતપુરના વિદ્યાર્થીને નીટમાં સારા માર્ક અપાવવા ૩૦ લાખ પડાવવામા મુખ્ય સૂત્રધાર અને રોયલ એકેડેમીના સંચાલક રાજેશ પેથાણીની ધરપકડ કર્યા બાદ બંનેને પાંચ દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યાં છે.બનાવ અંગે જેતપુરમાં અમરનગર રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતાં તુષારભાઈ અરવીંદભાઈ વેકરીયા (ઉ.વ.૪૦) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ માં તેમનો દિકરો દ્રિજ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ રોયલ એકેડમીમાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હોય અને તેને એમબીબીએસ હોમ્યોપેથી આયુર્વેદીક મેડિકલ એન્ટ્રેસ (નીટ) પરીક્ષામાં સારા માર્ક અપાવવા હોય જે બાબતે રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરેલ હતી, તેઓએ વાત કરેલ કે, એવા એક ભાઈને હું ઓળખુ છુ, જે આવી પરીક્ષાઓમાં વધારે માર્ક અપાવવાનું કામ કરી આપે છે. જેમના માટે રૂ. ૬૦ લાખ થશે તેમ વાત કરી રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે વાત કરાવેલ અને ધવલને કહેલ કે, મારાથી આટલા બધા રૂપિયા થઇ શકે તેમ નથી, તો તેમને કહેલ કે, તમે અત્યારે દશ લાખ રૂપિયાની સગવડતા કરી રાખો બાદમાં વધ ઘટ હુ મારી રીતે જોઇ લઇશ.
જેથી ફરીયાદીએ દીકરાના ભવિષ્યને લઇ રૂપિયા આપવાનુ નકકી કરેલ અને રાજેશ પેથાણીને રાજકોટમાં એપ્રીલ-૨૦૨૪ ના પ્રથમ વિકમાં રૂ.૧૦ લાખ રોકડા આપેલ અને મહિનાના છેલ્લા વિકમાં રૂ. ૨૦ લાખ રાજેશ પેથાણીને રાજકોટ ખાતે રોકડા આપેલ હતા. તેઓએ રાજેશ પેથાણી મારફતે ધવલ સંધવીને પોતાના દીકરાને એમબીબીએસની એન્ટ્રેસ પરીક્ષામા સારા માર્ક અપાવવા માટે કુલ રૂા.૩૦ લાખ આપેલ હતા. પરીક્ષામાં સારા માર્ક માટે રાજેશ પેથાણીને આપેલ રૂપિયા પરત માંગતા તેઓએ કહેલ કે, રૂપિયા તો ધવલને આપી દિધેલ છે, જેથી ધવલ સાથે ફોનમાં વાત કરેલ અને રૂ. ૩૦ લાખ પરત માંગતા મને ઉપરથી પરત આવે એટલે તમને આપી દઇશ તેમ કહેલ પરંતુ ઘણો સમય થઇ ગયેલ પરંતુ રૂપિયા પરત આવેલ નહી. જે બાદ તેમાં વિપુલ તેરૈયા તેમજ તેના ભાઈ પ્રકાશ તેરૈયા નામ ખૂલેલ હતાં. ઉપરાંત રૂપિયા મનજીત જૈન જે કર્ણાટક બેલગાવનો છે તેમને આપેલ છે, કહીં ટોળકીએ છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી પીએસઆઈ એ. એન.પરમાર અને ટીમે આરોપી વિપુલ તેરૈયાને દબોચી લીધા બાદ રોયલ એકડેમીના સંચાલક રાજેશ પેથાણીની પણ ધરપકડ કરવામાં આવી છે અને બંનેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાતા બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયાં છે. તેમજ ફરાર ત્રણ આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે, રાજેશ પેથાણીએ ફૂલ ચાર વાલીઓ પાસેથી નિટમાં સારા માર્ક મેળવવા માટે સેટિંગ કર્યું હતું અને એક વાલી પાસેથી રૂપીયા લીધાં હતાં.