New Delhi,તા.15
કેન્દ્રીય તપાસ બ્યૂરો સીબીઆઇએ સંગઠિત સાઇબર ક્રાઇમના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, સીબીઆઇએ આ મામલે કુલ ૧૭ આરોપીઓની સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે. જેમાં ચાર ચીનના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર તપાસમાં કુલ ૫૮ કંપનીઓની સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ સાઇબર નેટવર્ક દ્વારા ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે રકમનું દેશ વિદેશમાં ટ્રાન્ઝેક્શન થયું હતું.
તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે આ સાઇબર ફ્રોડ નેટવર્ક દેશના અનેક રાજ્યો સુધી ફેલાયેલુ હતું અને હજારો આમ નાગરિકોંને અલગ અલગ ઓનલાઇન છેતરપિંડી દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. એવુ પણ એજન્સીને જાણવા મળ્યું છે કે આ સંગઠિત સિન્ડિકેટ દ્વારા ફેક લોન એપ, બનાવટી રોકાણ સ્કીમ, પોંઝી, નકલી પાર્ટ ટાઇમ નોકરી વગેરે દ્વારા લોકોને છેતરવામાં આવતા હતા. જેમાં યુવા વયના લોકોને શિકાર બનાવવા માટે ઓનલાઇન ગેમિંગનો પણ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
સીબીઆઇએ સૌથી પહેલા આ વર્ષે જ ઓક્ટોબર મહિનામાં મુખ્યત્વે ત્રણ ભારતીય આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ નવા ખુલાસા થતા રહ્યા અને તપાસનો વ્યાપ પણ વધતો ગયો, કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ કામ કરતા ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર પાસેથી ઇનપુટ મળ્યા તે બાદ કાર્યવાહી શરૂ કરાઇ હતી.
સીબીઆઇને તપાસમાં જાણવા મળ્યું છે કે સાઇબર ગુનેગારોએ અત્યંત ગુપ્ત અને ટેક્નોલોજીવાળો રસ્તો અપનાવ્યો હતો. જેમાં ગુગલ એડ્સ, બલ્ક એસએમએસ કંપનીઓ, સિમ બોક્સ આધારિત મેસેજિંગ સિસ્ટમ, ક્લાઉડ ઇંફ્રાસ્ટ્રક્ચર, ફિનટેક પ્લેટફોર્મ અને અનેક બ્લૂ બેંક એકાઉન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એજન્સીને જાણવા મળ્યું છે કે સાઇબર ફ્રોડ નેટવર્કના મૂળમાં ૧૧૧ શેલ કંપનીઓ સામેલ છે. આ કંપનીઓને ડમી ડાયરેક્ટર, બનાવટી કે ભ્રામક દસ્તાવેજો, નકલી સરનામા, વેપારના બનાવટી ઉદ્દેશ્યો સાથે રજિસ્ટર કરાવાઇ હતી.
એવો ખુલાસો થયો છે કે આ બેંક ખાતાઓ દ્વારા ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જ્યારે એક બેંક ખાતામાં જ ૧૫૨ કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થઇ હતી. સીબીઆઇએ આ નેટવર્કના પર્દાફાશ માટે કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર, કેરળ, ઝારખંડ, હરિયાણા સહિત કુલ ૨૭ સ્થળો પર દરોડા પાડયા હતા. જે દરમિયાન મોટી સંખ્યામાં દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ, મોબાઇલ, લેપટોપ વગેરે જપ્ત કરાયા હતા.

