Mumbai,તા.05
રિયાલિટી શો ‘એલાયન્સ’ના નવા એપિસોડે દર્શકો અને ફેન્સની ઉત્સુકતામાં ભારે વધારો કરી દીધો છે. આ વખતે શોમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાના નાના ભાઈ સોહેલ ખાનને સપોર્ટ કરતો જોવા મળ્યો છે. પ્રોમોમાં સલમાન ખાન પોતાના ભાઈ સોહેલ અને તેમની ભૂતપૂર્વ પત્ની સીમા સજદેહના છૂટાછેડાનો ઉલ્લેખ કરતી વખતે અત્યંત ભાવુક દેખાયા હતા. સલમાન ખાને જણાવ્યું હતું કે સોહેલે પોતાનો સંબંધ બચાવવા માટે દરેક શક્ય પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમ છતાં તેણે સમગ્ર બાબતનો દોષ પોતાના માથે લઈ લીધો હતો. બીજી તરફ, આ શો દરમિયાન સોહેલ અને સીમાએ પણ પોતાના ભૂતપૂર્વ સંબંધ, અલગ થવાના કારણો અને ફરીથી વાતચીત શરૂ થવા અંગે ખુલ્લા મનથી વાતો કરી છે.આ એપિસોડમાં સલમાન ખાન પોતાના ભાઈ સોહેલને પ્રશ્ન કરતા પૂછે છે, “શું તું હજુ પણ સીમાની વાત સાંભળે છે? જોકે આ સાથે તેણે જેલના સમય વિશે પણ વાત કરતાં કહ્યું હતું કે ‘મારે આ કહેવું જોઈએ કે નહીં? પરંતુ હું કહીશ…’ ત્યાર બાદ તેણે સોહેલના લગ્ન વિશે વાત કરતાં સલમાન કહે છે, ‘મારો વહાલો અને નેક ભાઈ આખા છૂટાછેડાનો દોષ પોતાના પર લઈ બેઠો. હું એક ભાઈ હોવાના નાતે જાણું છું કે તેણે આ સંબંધને બચાવવા માટે કેટલા પ્રયત્નો કર્યા હતા. તે આ બધું અંદર ને અંદર માનસિક અને ભાવનાત્મક રીતે સહન કરતો રહ્યો.” આ સાથે તેણે ફરી સોહેલને કોઈને ડેટ કરવા માટે પણ સલાહ આપી હતી.
જાણીતા હોસ્ટ અને એક્સ-એલાયન્સ પ્લેયર નિખિલ ચિનપ્પા સાથેની ખાસ વાતચીતમાં સોહેલે પોતાના સંબંધો અંગે ખુલીને વાત કરી હતી. સોહેલે કહ્યું હતું કે, “એ સમયે મારું કામ યોગ્ય રીતે ચાલી રહ્યું નહોતું, તેથી હું યોગ્ય માનસિક સ્થિતિમાં નહોતો. મારા વર્તનના કારણે મેં એવા વ્યક્તિને ગુમાવી દીધો જેને હું ખૂબ જ પ્રેમ કરતો હતો.”
તેણે વધુમાં ઉમેર્યું હતું કે, “તે મારા બે સુંદર બાળકોની માતા છે. પ્રેમ કરતા પણ વધુ મારા મનમાં તેના માટે સન્માન છે. આ શો મારા માટે હંમેશાં યાદગાર રહેશે. અમે ચોક્કસપણે અલગ છીએ, પરંતુ આ શોએ અમને ફરીથી સાથે બેસીને વાત કરવાનો અને એકબીજા સાથે દિલની વાતો શેર કરવાનો મોકો આપ્યો છે. અમારા સંબંધમાં જે કડી તૂટી ગઈ હતી, આ શોએ તેને ફરીથી જોડી દીધી છે.”સીમા સજદેહે પણ શોમાં જણાવ્યું હતું કે ‘એલાયન્સ’ શોએ તેને અને સોહેલને ફરીથી સાથે બેસીને વાતચીત કરવાનો અને પોતાના સંબંધને એક નવા દ્રષ્ટિકોણથી જોવાનો અવસર આપ્યો છે. તેના જણાવ્યા મુજબ, આ અનુભવ બંને વચ્ચે સારા સંવાદની એક નવી શરૂઆત બન્યો છે.
અન્ય એક એપિસોડમાં સોહેલ ખાને એક્ટર કુશાલ ટંડન સાથેની વાતચીત દરમિયાન પોતાની જૂની લવ સ્ટોરી સંભળાવી હતી. તેણે જણાવ્યું હતું કે લગ્નના થોડા દિવસો પહેલાં તે અને સીમા ઘર છોડીને ભાગી ગયા હતા. ત્યારબાદ બંનેએ પહેલાં આર્ય સમાજની રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા અને પછી નિકાહ પણ કર્યા હતા.

