Rajkotતા.20
ભાવનગરમક તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ દુર્ઘટના બાદ સમગ્ર પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને ગેરકાયદેસર દેશી દારૂના દૂષણને ડામવા માટે કમર કસી છે.
રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ શહેર પોલીસ કમિશનરની કડક સૂચના બાદ ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, પીસીબી સહિત સ્થાનિક પોલીસ મથકોની અલગ-અલગ ટીમોએ એકસાથે મોરચો સંભાળી શહેરના અલગ અલગ વિસ્તારો અને દારૂના અડ્ડાઓ પર ઘોંસ બોલાવીને 30 થી વધુ સ્થળોએ ધડાધડ દરોડા પાડ્યા છે. આ મેગા ઓપરેશન દરમિયાન બેરોકટોક દેશી દારૂ વેચતી મહિલાઓ સહિત અનેક રીઢા બુટલેગરોને દબોચી લેવામાં આવ્યા છે અને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડની ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ, હેતલ પટેલની રાહબરીમાં તમામ વિંગ્સને એક્ટિવ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને પીસીબીની ટીમોએ બાતમીદારોના નેટવર્કને સક્રિય કરીને દેશી દારૂના ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણના સ્થળો પર ત્રાટકવાનું શરૂ કર્યું છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
શહેર પોલીસ દ્વારા થોરાળાના અલગ અલગ વિસ્તાર સહિત રૈયાધાર, આંબેડકર નગર સહિતના વિસ્તારો તેમજ શંકાસ્પદ રહેણાંક વિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ અને નદીના પટમાં ચાલતી ભઠ્ઠીઓ પર પણ સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા હિસ્ટ્રીશીટરો પર વોચ ગોઠવી દેવામાં આવી છે. શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર પણ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
દરોડામાં રહેણાંક વિસ્તારોમાં અને સરાજાહેર બેરોકટોક દારૂ વેચતી મહિલા બુટલેગરો સામે પણ પોલીસે લાલ આંખ કરી છે. કાયદાના ડર વિના દારૂનો ધંધો કરતી અનેક મહિલાઓ અને પુરુષ બુટલેગરોની અટકાયત કરવામાં આવી છે.
પકડાયેલા તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધ્યા છે. શહેરમાં અલગ-અલગ જગ્યાએ પાડવામાં આવેલા 30થી વધુ દરોડા દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. અડ્ડાઓ પરથી હજારો લીટર દેશી દારૂ, દારૂ બનાવવા માટે વપરાતો કાચો માલ (આથો) નો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

