Bhavnagar,તા.27
ભાવનગર ના માલણકા ગામે રહેતા એક 21 વર્ષીય રત્ન કલાકાર યુવકની બહેનના પ્રેમી હોવાની અદાવત રાખી તેના જ ભાઈ અને અન્ય બે શખ્સોએ વાડીએ લઈ જઈ બોથડ પદાર્થના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ખુન ના આ બનાવની મળતી માહિતી મુજબ માલણકા ગામે રહેતો અને રત્નકલાકાર તરીકે કામ કરતો રાધેશભાઈ મનસુખભાઈ બારૈયા ઉ.વ. 21 સવારે ‘હું ગામમાં જાઉં છું’ તેમ કહી ઘરેથી નીકળ્યો હતો.
બપોર સુધી તે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન, સાંજના સમયે રાધેશના મિત્ર નીતિનભાઈ પર ફોન આવ્યો હતો કે રાધેશ માલણકાની સીમમાં આવેલ એક વાડીએ ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો છે.
આ અંગે જાણ થતા જ નીતિનભાઈ અને રાધેશના મોટાભાઈ મુકેશભાઈ તાત્કાલિક વાડીએ દોડી ગયા હતા, જ્યાં રાધેશ બેભાન અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક રાધેશને રાહુલ બારૈયાની બહેન સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતનો ખાર રાખી રાહુલ ધનજીભાઈ બારૈયા, જયેશ ધીરૂભાઈ બારૈયા અને મનોજ જેન્તીભાઈ બારૈયાએ રાધેશને વાડીએ બોલાવી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ લાકડાના ધોકા તથા બોથડ પદાર્થો વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ બનાવ અંગે વરતેજ પોલીસના ઇન્ચાર્જ પી.એસ.આઈ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, હત્યાનો ગુનો નોંધી ત્રણેય ફરાર શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

