Surat,તા.૧૧
દેશભરમાં ’હર ઘર તિરંગા’ અભિયાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વર્ષે ટેક્સટાઈલ સિટી સુરત માટે આ અભિયાન વ્યાપારિક દ્રષ્ટિએ પણ ખૂબ જ લાભદાયી સાબિત થયું છે. સુરતના કાપડ વેપારીઓએ આ વખતે તિરંગાના વેચાણમાં નવો રેકોર્ડ સર્જીને રૂ. ૩૦૦ કરોડથી વધુનો જંગી વેપાર કર્યો છે.
સુરતમાં અંદાજે ૨૦ જેટલા પ્રમુખ તિરંગા બનાવનાર ઉત્પાદકો અને વેપારીઓ આવેલા છે, જેમણે દિવસ-રાત મહેનત કરીને દેશભરની ડિમાન્ડ પૂરી કરી છે. આ વખતે દેશના ૨૮ જેટલા રાજ્યોમાંથી સુરતના તિરંગા માટે વિશાળ પ્રમાણમાં ઓર્ડર મળ્યા હતા.
તિરંગાના નિર્માણમાં આ વખતે વૈવિધ્ય જોવા મળ્યું છે. સુરતના કારીગરો દ્વારા ૫”૮” ઈંચના નાના રાષ્ટ્રધ્વજથી લઈને ૨૦”૩૦” ફૂટ સુધીના વિશાળકાય તિરંગા તૈયાર કરવામાં આવ્યા હતા. આ વર્ષે માત્ર રાષ્ટ્રધ્વજની સંખ્યા જ નહીં, પરંતુ તેની ગુણવત્તામાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે. ગ્રાહકો અને સંસ્થાઓએ આ વખતે કાપડની શ્રેષ્ઠ (પ્રીમિયમ) ક્વોલિટીનો આગ્રહ રાખ્યો હતો.
આ વર્ષના વેપારનું સૌથી મોટું આકર્ષણ પશ્ચિમ બંગાળ રાજ્ય રહ્યું છે. અત્યાર સુધી પશ્ચિમ બંગાળ તરફથી સુરતને તિરંગાના ઓર્ડર ખાસ મળતા ન હતા, પરંતુ આ વર્ષે સ્થિતિ બદલાઈ છે. એકલા પશ્ચિમ બંગાળમાંથી જ સુરતને ૧ કરોડથી પણ વધુ તિરંગા બનાવવાનો હિસ્ટોરિક ઓર્ડર મળ્યો છે. આમ, ’હર ઘર તિરંગા’ અભિયાને દેશભરમાં દેશભક્તિનો રંગ ઘૂંટવાની સાથે સાથે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને પણ એક નવી ઊંચાઈ અને આર્થિક ગતિ આપી છે.

