Jamnagar તા.૧૧ઃ
જામનગર શહેરના જી.જી. હોસ્પિટલ રોડ વિસ્તારમાં ગઈકાલે કેટલાક લુખ્ખાતત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. લાકડીઓ સાથે આવેલા શખ્સોએ બે યુવકો પર હુમલો કર્યો હતો, જેના દૃશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે શહેરમાં ભારતના વડાપ્રધાનના આગમનને પગલે એક તરફ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ત્યારે બીજી તરફ જી.જી. હોસ્પિટલ રોડ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો હતો.સીસીટીવી ફૂટેજમાં કેટલાક શખ્સો લાકડીઓ લઈને દોડતા તેમજ બે યુવકો પર હુમલો કરતા દેખાઈ રહ્યા છે. એક દૃશ્યમાં એક યુવકના માથાના ભાગે લાકડીનો ઘા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ રસ્તા પર ઢળી પડતો જોવા મળે છે.ઘટનાને લઈને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ બાદ હુમલાખોર શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને શોધવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે.
