રાજકોટ. તા.16
આર.વર્લ્ડ સિનેમા સામે જાહેરમાં ત્રણ શખસો દારૂની મહેફિલ માણતા હોવાની બાતમીના આધારે પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી આ ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે દારૂની અડધી ભરેલી ત્રણ બોટલ, ગ્લાસ અને બાઈટિંગ કબજે કર્યું હતું. ઝડપાયેલા ત્રણેય શખસો પૈકી એક નિવૃત્ત પીએસઆઇનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
દરોડાની વિગત મુજબ, પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ એમ.ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ જે.બી. રાણીંગા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રાત્રીના આર વર્લ્ડ સિનેમા સામે મહમ્મદી મસ્જિદ પાસે જાહેરમાં ત્રણ શખસો શંકાસ્પદ હાલતમાં નજરે પડતાં પોલીસે તુરંત આ ત્રણેય પાસે પહોંચી અહીં જોતા દારૂની ત્રણ અડધી ભરેલી બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ, વેફર, વટાણા,મગદાળ( બાઇટીંગ) મળી આવ્યું હતું. જેથી આ ત્રણેય શખસો અહીં દારૂની મહેફિલ માણતા હોવાનું માલુમ પડયું હતું.
બાદમાં આ શખસોની પુછતાછ કરતા તેમણે પોતાના નામ પ્રતીક શેલેન્દ્રભાઈ પોપટ (ઉ.વ.33 રહે. આર વર્લ્ડ સિનેમા સામે), સાગર મનસુખભાઈ સંતોકી (ઉ.વ.38 રહે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, શ્યામલકુંજ એપાર્ટમેન્ટ ડી 403, જીવરાજ પાર્ક) અને જય હરસુખલાલ જોશી (ઉ.વ. 36 રહે. ગીતાનગર શેરી નંબર બે ભક્તિનગર સર્કલ પાસે) હોવાનું જણાવ્યું હતું.
ત્રણેય થોથરાતી જીભે બોલતા હોય જેથી ત્રણેયએ નશો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. ઇટજેથી પોલીસે આ શખસો સામે જાહેરમાં દારૂની મહેફિલ મણવા અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. જાહેરમાં મદિરાપાન કરનાર આ ત્રણ શખસો પૈકી જય નિવૃત્ત પીએસઆઇનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

