Bhavnagar, તા.19
ભાવનગરના નિલમબાગ સર્કલ વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ ભરેલા થેલા સાથે લોકલ ક્રાઈમબ્રાન્ચે ત્રણ મહિલાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો.
તે દરમિયાન બાતમી મળી હતી કે, ત્રણ મહીલાઓ તેનાં કબ્જા-ભોગવટાના થેલાઓમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી હાલ નીલમબાગ સર્કલ મહાનગર પાલીકાના સ્વિમિંગ પુલ સામે જાહેર રોડ ઉપર ઉભા છે.
જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્વિમિંગ પુલ સામે ઉભેલી ઉપાસનાબેન ગૈાતમભાઇ જગુભાઇ ઇંદ્રેકર, કોમલબેન સંતોષભાઇ વિક્રમભાઇ રાઠોડ, અનમોલબેન સુશાંતભાઇ વિનુભાઈ ઇંદ્રેકરને અટકાવી સાથે રહેલા થેલાની તલાશી લેતા વિદેશી દારૂની 160 બોટલ રૂ.29,925ના મુદામાલ સાથે ત્રણેય મહિલાને ઝડપી લઇ તેના વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

