સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતાં ૨૨,૦૦૦ થી વધુ ગ્રાહકોને જેતલસર, ગોંડલ સહિતની અન્ય એજન્સીઓમાં ધકેલી દેવાયા
અગાઉ ૨૫ દિવસે મળતો ગેસનો બાટલો હવે ૪૫ દિવસે કરી દેવાતા ગૃહિણીઓની હાલત કફોડી ચોમાસામાં ચૂલા ફૂંકવાનો વારો
(હરેશ ભાલીયા દ્વારા) Jetpur,તા.૭
જેતપુર શહેરમાં રાંધણ ગેસના વિતરણમાં સર્જાયેલી અંધાધૂંધીએ હજારો પરિવારોની કમર તોડી નાખી છે. ‘‘કરે કોઈ અને ભરે કોઈ‘‘ એ કહેવત જેતપુરની જનતા માટે અત્યારે એકદમ સાર્થક સાબિત થઈ રહી છે. શહેરમાં કાર્યરત ’સૌરાષ્ટ્ર ગેસ એજન્સી’નું લાયસન્સ તંત્ર દ્વારા રદ કરવામાં આવતા, તેનો સીધો અને આકરો દંડ નિર્દોષ ગ્રાહકો ભોગવી રહ્યા છે. ગ્રાહકોને જેતલસર તેમજ ગોંડલની મહારાજા અને સ્પાર્ક જેવી અન્ય એજન્સીઓમાં ટ્રાન્સફર તો કરી દેવાયા, પરંતુ આ વ્યવસ્થા માત્ર કાગળ પર જ હોય તેમ જનતા પારાવાર હાલાકીનો સામનો કરી રહી છે.
સૌથી મોટી સમસ્યા એ છે કે, અગાઉ જેતપુર શહેરની એજન્સીમાં ગ્રાહકો દર ૨૫ દિવસે નવો સિલિન્ડર બુક કરાવી શકતા હતા. પરંતુ હવે અન્ય ગ્રામ્ય અને દૂરની એજન્સીઓમાં ફાળવણી થવાને કારણે આ નિયમ બદલીને ૪૫ દિવસનો કરી દેવામાં આવ્યો છે. એક સામાન્ય પરિવારને ૪૫ દિવસ સુધી એક જ બાટલો કેવી રીતે પૂરો પડે? તેવો સવાલ ગૃહિણીઓ ઉઠાવી રહી છે. આટલું ઓછું હોય તેમ, ગ્રાહકો જ્યારે આ નવી એજન્સીઓની ઓફિસે બાટલો લેવા જાય છે, ત્યારે સવારના ૮ વાગ્યાથી લાઈનમાં ઊભા હોવા છતાં બપોરના ૧૨ વાગ્યા સુધી ઓફિસના શટર પર ’અલીગઢના તાળા’ જ લટકતા જોવા મળે છે. મજૂરી અને કામધંધો છોડીને આવેલા ગરીબ અને વૃદ્ધ લોકો નિરાશ થઈને ખાલી હાથે પરત ફરી રહ્યા છે.
તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો એ છે કે, જે ગ્રાહક મહિનાઓથી બુકિંગ કરાવીને બેઠા છે તેમને ગેસ મળતો નથી, પણ જો તમારી પાસે રૂપિયા હોય તો કાળાબજારમાં ખુલ્લેઆમ ૧૮૦૦ થી ૨૦૦૦ રૂપિયામાં ગેસનો બાટલો મળી જાય છે! તો પછી આ ગેસના બાટલા બ્લેકમાં કોણ સપ્લાય કરી રહ્યું છે? જેતપુરના મામલતદાર અને ખાસ કરીને પુરવઠા વિભાગ (પુરવઠા મામલતદાર) જાણે આંખે પાટા અને કાને ડૂચા બાંધીને બેઠા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. કાળાબજારીયાઓને જલસા છે અને સામાન્ય માનવી ચોમાસાની આ સિઝનમાં લાકડા વીણીને ચૂલા ફૂંકવા મજબૂર બન્યો છે.
ચૂંટણીઓ આવે ત્યારે એક-એક મત માટે વૃદ્ધો અને વિકલાંગોને પણ ખભે ઊંચકીને મતદાન મથક સુધી લઈ જતા નેતાઓ આજે પ્રજાની આ વેદના સાંભળવા તૈયાર નથી. ત્રણ-ત્રણ મહિનાથી બાટલો ન મળતા રડી પડેલી ગૃહિણીઓ અને વૃદ્ધો રોષપૂર્વક જણાવી રહ્યા છે કે, ‘‘અમે મત આપીને ભૂલ કરી છે. અમારા પ્રતિનિધિઓ, ધારાસભ્ય કે સાંસદ અત્યારે ક્યાં છુપાઈ ગયા છે?‘‘
સ્થાનિક પ્રશાસન, મામલતદાર અને પુરવઠા વિભાગ સત્વરે કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને જેતપુર શહેરના ગ્રાહકોની સુવિધા ધ્યાને લઈ, અગાઉની જેમ ૨૫ દિવસે જ ગેસ સિલિન્ડર બુક થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવે, તેમજ તમામ ગ્રાહકોને નજીકની યોગ્ય એજન્સીમાં ટ્રાન્સફર કરે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠી છે. જો આ કાળાબજારી અને લાપરવાહી સત્વરે બંધ નહીં થાય તો આગામી દિવસોમાં જનતા રસ્તા પર ઉતરી આંદોલન કરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

