જીજ્ઞેશ પટેલ
Manavadar, તા.૨૫
માણાવદર નગરપાલિકાના પૂર્વ સેક્રેટરી, ગાયત્રી મંદિરના આદ્ય સ્થાપક અને ઉમદા સાહિત્યકાર એવા સ્વ. વિનોદ એન. જોષીની તા.૨૯-૭-૨૦૨૬ ના ૨૮મી પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. માણાવદર શહેરના સર્વાંગી વિકાસમાં નગરપાલિકાના સેક્રેટરીપદે રહીને તેમણે અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા. એક કુશળ વહીવટી અધિકારી હોવાની સાથે તેઓ ઉત્કૃષ્ટ લેખક પણ હતા. તેમના દ્વારા રચિત ’સંગીતા’, ’મધુરી મહેફીલ’, ’અંતરની સરવાણી’ જેવા ગઝલ સંગ્રહો અને ’કનકાવલી’, ’નયનતારા’ જેવી નવલકથાઓ ખૂબ જાણીતી છે. તેમના પુત્ર વિજયભાઈ જોષીના પ્રસિદ્ધ ઓડિયો આલ્બમોના ગીતોની રચના અને સ્વરાંકન પણ સ્વ. વિનોદભાઈ દ્વારા જ કરવામાં આવ્યા હતા.
સાહિત્યની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે પણ તેમનું યોગદાન અનન્ય હતું. તેમણે સને ૧૯૭૮માં ‘‘મા ગાયત્રી’’ ના મંદિરનો સંકલ્પ કરી, ‘‘ગાયત્રી પ્રજ્ઞાપીઠ’’ નું નિર્માણ કરીને સને ૧૯૮૬માં ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વનું તા. ૨૯-૦૭-૧૯૯૮ના રોજ અવસાન થયું હતું.
દર વર્ષે તેમની સ્મૃતિમાં ભવ્ય ‘‘સંગીત સમારોહ‘‘ યોજાય છે, પરંતુ હાલમાં જ તેમના ધર્મપત્ની ભારતીબેન વિનોદભાઈ જોષીનું દુઃખદ અવસાન થયેલ હોવાથી, આ વર્ષે આ સમારોહ મુલતવી રાખવામાં આવ્યો છે. તેના બદલે તેમના નિવાસસ્થાને સ્થાનિક કલાકારો અને સાહિત્યકારો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાશે, તેમ તેમના પુત્ર વિજયભાઈ જોષીએ જણાવ્યું છે.

