New Delhi,તા.૧૦
અંડરવર્લ્ડ ડોન અને ગેંગસ્ટર છોટા રાજનને તબિયત બગડ્યા બાદ સારવાર માટે રાજધાની દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે છોટા રાજન હાલમાં અનેક ગુનાઓના આરોપસર દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, દિલ્હી પોલીસે એઈમ્સ વોર્ડમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે જ્યાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન દાખલ છે.
ઓક્ટોબર ૨૦૧૫ માં ઇન્ડોનેશિયાથી ધરપકડ બાદ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ભારત લાવવામાં આવ્યો હતો. તે હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. ૨૫ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ ઇન્ડોનેશિયાના બાલી એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ભારત લાવવામાં આવ્યો હતો.
ગયા વર્ષે મે મહિનામાં, એક ખાસ કોર્ટે છોટા રાજનને એક હોટેલ માલિકની હત્યા કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, બોમ્બે હાઈકોર્ટે છોટા રાજનને આપવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરી દીધી હતી અને તેને જામીન આપ્યા હતા. જોકે, રાજન અન્ય ઘણા ગુનાહિત કેસોના સંબંધમાં જેલમાં છે. આ ઉપરાંત, છોટા રાજનને પણ પુરાવાના અભાવે લગભગ ૨૮ વર્ષ જૂના એક ઉદ્યોગપતિની હત્યાના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.
આ ઉપરાંત, થોડા વર્ષો પહેલા, મુંબઈની સેશન્સ કોર્ટે ૧૯૯૯ માં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ગેંગના એક કથિત સભ્યની હત્યા સંબંધિત કેસમાં ગેંગસ્ટર છોટા રાજનને નિર્દોષ જાહેર કર્યો હતો. દાઉદ ગેંગના કથિત સભ્ય અનિલ શર્માની ૨ સપ્ટેમ્બર, ૧૯૯૯ ના રોજ અંધેરીમાં રાજનના ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી હતી.

