એલસીબીએ ૮ ચોરાઉ મોટરસાઇકલ કબજે કરી ૮ ગુનાનો ભેદ ઉકેલ્યો
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૫ઃ
જામનગર જિલ્લામાં મિલકત સંબંધિત વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન એલસીબીએ વાહનચોરીના આઠ ગુનાનો ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી પાડ્યો છે. તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે કુલ રૂ.૨ લાખની કિંમતની આઠ મોટરસાઇકલ કબજે કરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.બી. ચૌધરીની સૂચનાથી પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે માનવબાતમી અને ટેકનિકલ સેલની મદદથી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન એલસીબી સ્ટાફને મળેલી બાતમીના આધારે જામનગરમાં મહાપ્રભુજી બેઠક પાસે જિલ્લા સહકારી બેંક સામે બાવળની કાંટમાં તથા બેડી રોડ પર બેડી બ્રિજ નીચે તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી વિમલ વિઠ્ઠલભાઇ કાકરેજા, રહે. મોટા લખિયા, તા. લાલપુર, તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર પાસેથી ચોરાઉ મોટરસાઇકલ મળી આવી હતી.
પોલીસે વાહનોના એન્જિન અને ચેસીસ નંબરની ઇ-ગુજકોપમાં ખરાઇ કરતાં આ આઠેય મોટરસાઇકલ જામનગરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓમાં ચોરાયેલી હોવાનું ખુલ્યું હતું.કબજે કરાયેલી મોટરસાઇકલ સ્પ્લેન્ડર-૮માંથી સાત તથા હીરો હોન્ડા સીડી-૧ મળી કુલ આઠ મોટરસાઇકલ, કિંમત રૂ.૨ લાખ.
આ કાર્યવાહીથી જામનગર શહેરના એ, બી અને સી ડિવિઝન તથા મેઘપર-પડાણા પોલીસ મથકમાં નોંધાયેલા કુલ આઠ વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.પોલીસ તપાસમાં આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જાહેર પાર્કિંગમાં પાર્ક કરાયેલી મોટરસાઇકલને નિશાન બનાવી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. જામનગર કાનાલુસ ગેઇટ, રેલવે ફાટક, જોગવડ ગામ, નવી ટાઉનશિપ સામે, મોટી ખાવડી, ઠેબા ચોકડી સિનેમા પાસે, વાલ્કેશ્વરી, સાત રસ્તા સર્કલ, સમર્પણથી ઢીચડા રોડ તથા જામનગર રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારોમાંથી વાહનચોરી કર્યાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.
પકડાયેલા આરોપી વિમલ કાકરેજા સામે અગાઉ પણ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં બી.એન.એસ. કલમ ૩૦૩(૨) હેઠળ વાહનચોરીના ચાર ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.આ સમગ્ર કાર્યવાહી એલસીબી પીઆઇ વી.બી. ચૌધરી, પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા એલસીબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

