સામાન્ય સ્ત્રીને પણ જાજરમાન બનાવતું પરિધાન એટલે સાડી. જે આજની યુવા પેઢીમાં છેલ્લો વિકલ્પ બની ગયો છે. વિશ્વભરમાં દેશના રાષ્ટ્રીય પરિધાન સાડીની અલગ છબી તરી આવે તે હેતુથી 21 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઉજવાય છે. વડોદરાના ગાયકવાડ પરિવારના રાધિકા રાજે પાસે આજેપણ 60 વર્ષ જૂની ટિશ્યુ સાડીઓ છે. જ્યારે ગુજરાતની ધરતીમાં હજારો વર્ષથી કલા, સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતી રહી છે, ત્યારે વિશ્વ સાડી દિવસે ગુજરાતના પટોળા અને બાંધણી વિશે જાણીએ.
હજારો વર્ષ જૂનો છે સાડીનો ઈતિહાસ
મળતી માહિતી મુજબ, સાડીનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં સાડી સંસ્કૃત શબ્દ ‘સતી’ના નામે ઓળખાયો અને ત્યારબાદ અપભ્રંશ થઈને સાદી અને હવે સાડી તરીકે ઓળખાય છે. મૌર્ય યુગ સુધી સ્ત્રીઓને સાડી પહેરતા આવડતી નહોતી તેઓ ધોતીની જેમ વિંટાળીને પહેરતી હતી. જેના ઉદાહરણ આજે પણ અજંતા-ઈલોરાની ગુફાના ચિત્રોમાં જોવા મળે છે.
પુરુષો પણ સાડીઓનો ઉપયોગ કરતા
ફક્ત સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ સાડીઓનો વિવિધ રીતે ઉપયોગ કરતા હતા. જેમકે, મુઘલો બનારસ સાડીના સાફા માથા પર બાંધતા, તો હિંદુ રાજાઓ રાણીઓની સાડીમાંથી બનાવેલા ખેસ પોતાના ખભા પર રાખતા હતા. પેશ્વાઓ બનારસી સાડીઓની ધોતી પહેરતા હતા. રાજપૂત રાણીઓએ શિફોનની સાડીઓને પ્રચલિત બનાવી છે. આજે પણ ઘણા એવાં ક્ષેત્રો જેવા કે, શિક્ષણ, કેર-ટેકર, એર હોસ્ટેસ, જ્વેલરી શો રુમ, હોસ્પિટલો જેમાં મહિલાઓ મોટેભાગે સાડી પહેરીને કલાકો સુધી કામ કરે છે. એક સર્વે પ્રમાણે 70 ટકા પુરુષોને સાડી પહેરેલી સ્ત્રી વધુ પસંદ છે.
ગુજરાતના પ્રખ્યાત પટોળાનો સમૃદ્ધ ઈતિહાસ સોલંકી વંશના સમયથી 900 વર્ષ પહેલાનું હોવાનું માનવામાં આવે છે. પટોળામાં રેસમના તારથી ડિઝાઈન બનાવામાં આવે છે. ગુજરાત અને વિશ્વભરમાં પાટણનું પટોળું વખણાય છે. જ્યારે ગુજરાતની બાંધણી પણ સમગ્ર દેશનું ગૌરવ છે. કલા, સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતી ગુજરાતની કલાકૃતિ વિશ્વભરમાં આગવુ સ્થાન ધરાવે છે, ત્યારે ટપકાની, ફૂલની, ફળની, ભૌમિતિક, પાંદડાની ભાત, કે હાથી ઘોડા જેવા પ્રાણીની ભાતની વિવિધ પ્રકારની ડિઝાઈનથી તૈયાર કરાયેલી બાંધણી ગુજરાતની શાન છે. આજે વિશ્વ સાડી દિવસ ગુજરાતની કલાકૃતિને પ્રોત્સાહન આપવું ખૂબ મહત્ત્વનું છે.

