Vadodara,તા.4
વિમેન્સ પ્રીમિયર લીગની એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સે શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત જાયન્ટ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે દિલ્હીની ટીમે સતત ચોથી વખત ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. હવે ગુરુવારે રમાનારી ફાઇનલમાં દિલ્હીનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે.
169 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને ઓપનર લિઝેલ લી અને શેફાલી વર્માએ વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. લિઝેલ લીએ માત્ર 24 બોલમાં 43 રન ફટકાર્યા હતા, જેમાં રેણુકા સિંહ સામેની એક જ ઓવરમાં ચોગ્ગાની હેટ્રિક સામેલ હતી.
શેફાલી વર્માએ પણ આક્રમક મૂડમાં 21 બોલમાં 31 રન બનાવ્યા હતા. બંનેએ પાવરપ્લેમાં વિના વિકેટે 75 રન જોડીને આ સીઝનનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો.ત્યારબાદ કેપ્ટન જેમીમા રોડ્રિગ્સના 41 રન અને લૌરા વોલ્વાર્ડના અણનમ 32 રનની મદદથી દિલ્હીએ 15.4 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મેરિઝેન કેપે વિજયી ચોગ્ગો ફટકારી ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.
અગાઉ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. નંદિની શર્માએ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી ગુજરાતને મુશ્કેલીમાં મૂક્યું હતું. જોકે, કેપ્ટન બેથ મૂનીએ એક છેડો સાચવી રાખીને 51 બોલમાં અણનમ 62 રનની લડાયક ઇનિંગ રમી હતી. તેને જ્યોર્જિયા વેરહેમના 35 રનનો સાથ મળતા ગુજરાતે 7 વિકેટે 168 રનનો સ્કોર બનાવ્યો હતો. દિલ્હી તરફથી શેનેલ હેનરી અને નંદિની શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી.

