(નયના દવે દ્વારા) Jamnagar તા.૭
જામનગરના શંકર ટેકરી વિસ્તાર ખાતે મસાલો ખવડાવવાની સામાન્ય બાબતને લઈને યુવક પર લાકડાના ધોકાથી હુમલો કરી મારપીટ કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવમાં બે ભાઈ સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફરિયાદી અશ્વિનભાઈ બીજલભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૫), રહે. શંકર ટેકરી, સુભાષપરા શેરી નં. ૨, બાપા સીતારામની મઢુલી પાસે, જામનગરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૫ ઓગસ્ટની રાત્રે આશરે ૧૧૩૦ વાગ્યે તેઓ સુખાભાઈની દુકાને મસાલો લેવા ગયા હતા. તે દરમિયાન લતામાં રહેતો દિલીપ ઉર્ફે દિલો તેમની પાસે આવી મસાલો ખવડાવવા કહેતા ફરિયાદીએ પૈસા ન હોવાનું જણાવ્યું હતું.
આ બાબતે દિલીપ ઉર્ફે દિલોએ ગાળો આપી લાકડાનો ધોકો વડે ફરિયાદીના માથા અને ડાબા પગમાં માર મારી ઇજા પહોંચાડ્યાનો આક્ષેપ છે. દરમિયાન તેનો ભાઈ કાનો પણ ત્યાં આવી ફરિયાદીના વાળ પકડી તેમને રોડ પર પછાડી દીધા હતા. ત્યારબાદ બંને ભાઈઓએ ઢીકા-પાટુનો માર મારી ‘‘લતો છોડી દે, નહીં તો જાનથી મારી નાખીશું‘‘ તેવી ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બનાવ બાદ આસપાસના લોકો એકત્ર થતાં બંને આરોપી ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત અશ્વિનભાઈને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે ફરિયાદના આધારે દિલીપ ઉર્ફે દિલો અને તેના ભાઈ કાનો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

