(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૧ઃ
જામનગરના માધવબાગ-૧ વિસ્તારમાં મહાદેવ મંદિર પાસે જાહેર ગલીમાં ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતી આઠ મહિલાઓને સીટી-સી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કવોડે દરોડો પાડી ઝડપી લીધી હતી. પોલીસે મહિલાઓ પાસેથી તથા જુગારના સ્થળેથી કુલ રૂ.૩૧,૨૫૦ની રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કર્યા હતા.
પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માધવબાગ-૧, શેરી નં.૫, મહાદેવ મંદિર પાસે જાહેરમાં કેટલીક મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પંચોને સાથે રાખી દરોડો પાડવામાં આવતાં આઠ મહિલાઓ ગોળ કુંડાળું વળી તીનપત્તીનો જુગાર રમતી મળી આવી હતી.
પોલીસે ઝડપી લીધેલી મહિલાઓમાં ઝોલાપરા વાસની ઝોલાપરા જ્ઞાતિની ૭૫ વર્ષીય રશ્મિબેન જીતેન્દ્રભાઈ, જકાતનાકા પાણાખાણ શેરી નં.૮ની ૪૦ વર્ષીય અજુબેન ઉર્ફે અજાયબેન ભીમશીભાઈ પાઉ, સાંઢીયાપુલ શેરી નં.૧૦ની ૪૫ વર્ષીય કારીબેન મેરામણભાઈ ડાંગર, ગોકુલનગર રડાર રોડ શેરી નં.૫ની ૩૫ વર્ષીય મીતાબેન શૈલેવભાઈ વજવાળીયા, માધવબાગ-૧ દ્વારકેશ-૨ની ૪૧ વર્ષીય રાણીબેન મયુરભાઈ પરમાર, માધવબાગ-૧ દ્વારકેશ-૨ની ૩૮ વર્ષીય શોભનાબેન ભાવેશભાઈ શિંગડીયા, ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં.૯ની ૫૪ વર્ષીય કવીબેન દેવરાજભાઈ ગોજીયા અને ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં.૯ની ૪૫ વર્ષીય રાધાબેન જીવાભાઈ ભાટીયાનો સમાવેશ થાય છે.
આ મહિલાઓ પાસેથી અનુક્રમે રૂ.૩,૯૫૦, રૂ.૩,૭૦૦, રૂ.૩,૫૫૦, રૂ.૩,૪૦૦, રૂ.૩,૪૫૦, રૂ.૩,૭૦૦, રૂ.૪,૧૦૦ અને રૂ.૩,૫૫૦ રોકડ મળી આવી હતી. આ ઉપરાંત જુગાર રમવાના સ્થળેથી રૂ.૧,૮૫૦ની રોકડ અને ગંજીપત્તાના ૨૮ પાનાં મળી આવ્યા હતા.
મહિલાઓ પાસેથી ત્રણ-ત્રણ મળી કુલ ૨૪ અને સ્થળ પરથી ૨૮ મળી કુલ ૫૨ ગંજીપત્તાના પાનાં કબજે કરવામાં આવ્યા હતા. રોકડ સહિત કુલ રૂ.૩૧,૨૫૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગાર અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

