આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આધુનિક સમાજમાં લોકોને મોર્ડન કહેવડાવવું એ જાણે સ્ટેટસ બની ગયું હોય, એમ બધાં ફરતાં જોવાં મળે છે. પરંતુ હકીકતમાં મોર્ડન એટલે કે આધુનિક કોને કહેવાય? એ વિશે પૂરું જ્ઞાન નથી! વેલ એજ્યુકેટેડ લોકો પણ આવી ભૂલ કરતાં દેખાય છે, ઘણીવાર જ્યાં જરૂર ન હોય, અથવા તો કોઈ સમજતું નથી, એવો ખ્યાલ આવે એટલે ત્યાં ઇંગ્લિશમાં બોલીને પોતે મોર્ડન છે, એવું દેખાડવાની પણ કોશિશ કરતાં હોય છે. અધકચરી જાણકારી હોવા છતાં પોતે બધા જ ક્ષેત્રમાં જ્ઞાની છે,એવું પણ જાહેરમાં પ્રદર્શિત કરતા હોય છે. પત્ની બાળકો કે પછી અન એજ્યુકેટેડ આગળ રાજકારણની વાતો કરવી, કે પછી શેર માર્કેટનાં અપડાઉનની વાત કરી પોતે હોશિયાર છે, એવી છાપ પાડવી આ બધું મોર્ડન અને જ્ઞાની હોવાનાં ભ્રમમાં નાખે છે. ટૂંકમાં આધુનિક કહેવડાવવું છે, પણ એ માત્ર બાહ્ય પરિવેશથી, કે વધીને બોલચાલથી! પણ માત્ર વેશ,ભાષા કે વાનગીઓ બદલવાથી આધુનિક થવાતું નથી, માનસિકતા બદલવી પડે, વૈચારિકતાનું સ્તર ઉંચુ લાવવું પડે, ત્યારે આધુનિક થવાય! હકીકતમાં ભારતીય સમાજમાં પ્રવેશી ગયેલી રુઢિચુસ્તતાને તોડવા વૈચારિકતા ને આધુનિક બનાવવાની હતી, જે જડ પરંપરાઓ પેઢી દર પેઢી આગળ વધી રહી હતી, એમાં સુધાર કરવાનો હતો, આપણી સંસ્કૃતિ ખરાબ છે, એમ સમજી અને એને ત્યાગવાની નહોતી. દીકરા દીકરીનો ભેદભાવ મટવો જોઈએ, સ્ત્રી શિક્ષણને અહેમિયત આપવી જોઈએ, દીકરી અને પુત્રવધૂ બંનેને સરખું માન સન્માન આપવું પડશે, વારસા માટે જેમ દીકરી હક્કદાર છે, એમ એને કર્તવ્ય માટે પણ છૂટ આપવી પડશે! ભૃણ હત્યાં બંધ થવી જોઈએ, દહેજનું દુષણ બંધ થવું જોઈએ, વિધવા વિવાહને આવકારવા જોઈએ, નાતી જાતિના ભેદભાવ મટવા જોઈએ, અસ્પૃશ્યતા મટવી જોઈએ, ધર્મને નામે વધતી અંધશ્રદ્ધા ઓછી થવી જોઈએ, દીકરાના જન્મથી માતાજીને બલી ચઢાવવી, આ બધું બંધ થવું જોઈએ, જાતિય હિંસા અને ઘરેલું હિંસા,બાળ મજુરી, અને બીજા આવા કેટલાય જ્ઞાતીગત રીત રિવાજોને દૂર કરી સમાજનું દરેક વર્ણ સમાન હક અને અધિકાર માટે દાવેદાર છે, અને એમને સુધી વિકાસ પહોંચે છે કે નહીં એ જોવું!: આવી વૈચારિકતા એટલે આધુનિકતા. આધુનિક ભારતના ઘડવૈયા બનવું હોય તો આ રીતે વિચારવું પડશે, અને એ પણ માત્ર નારાબાજી કે સરઘસ કાઢીને નહીં! આપણાથી થતા નાના મોટા કાર્ય કરીને! વધતાં જતાં વિકાસની સાથે કદમ મેળવવા માટે “સેલ્ફ ઓફ ફોકસ” કરવું પડશે! જ્યારે આપણી દ્રષ્ટિ તો ફોકસ ફોર અધર્સ પર જ હોય છે! કોઈ શું કરે છે! અને કોઈ શું કહેશે! આ બંનેથી કિનારો કરવો પડશે, ત્યારે જ આપણું ધ્યાન આપણી પર પડશે, અને એમાં યોગ્ય સુધારો કરીને આ ડિપ્રેશન ઓછું કરી શકાશે.
પહેલા ભારતીય સમાજ ચરિત્ર નિર્માણ પર મહત્વ આપતો જ્યારે આજે એ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, રામ બનવું નથી! ગાંધી બનવું નથી! સુભાષચંદ્ર બોઝ બનવું નથી! બધાને ઝડપથી સેલીબ્રીટી બનવું છે. આજકાલ લોકોની લાયકાત હોય કે ન હોય પણ મહાન કહેવડાવવાની મહત્વકાંક્ષા બહુ વધતી જાય છે, દરેકને લોકો એની વાહ વાહ કરે એના પર તાળીઓના ગડગડાટ થાય, સૌ એને બિરદાવે એવું કંઈક કરવાની ઈચ્છા છે, પરંતુ એવું થતું નથી, કારણકે સોશિયલ મીડિયા પર વધુ લાઈક મેળવવાથી ચરિત્ર બનતું નથી. સતત સ્પર્ધાત્મક શિક્ષણને કારણે કોઈ ટોપ પર તો કોઈ સાવ તળિયે, એ રીતે મૂલ્યાંકન થાય છે, અને એને કારણે જે ટોપ પર ન્હોય, એને સતત પોતે કંઈ નથી, એવી લઘુતાગ્રંથિથી હતાશાનો સામનો કરવો પડે છે. ઘણીવાર આવી વ્યક્તિ પોતાને મહાન કહેવડાવવા માટે, કોઈ ખોટો આદર્શ પસંદ કરી લે, અને તેની વૈચારિકતાનું અનુસરણ કરે છે. ઈન્સ્ટાગ્રામ અને ઇન્સ્ટન્ટનાં આ યુગમાં બધાનું ધ્યાન ખેંચવા માટે વિલનનાં ચાહકો પણ વધતાં જાય છે, અને એ તો માત્ર અભિનય કરે છે, એ મુખ્ય વાત તે સાવ ભૂલી જાય છે, અને એ મુજબ અનુસરવાથી કેટલી બધી વિકૃતિઓ માનસમાં આવી જાય,અને એમાંથી ડિપ્રેશન શરું થાય. ઘણીવાર આપણી હેસિયતથી મોટું સાહસ કરવાથી પણ સફળતા મળશે કે કેમ! એ વિચાર ડિપ્રેશન કરે છે. તો ઘણીવાર આપણી લાયકાત હોવા છતાં ઓછી લાયકાત વાળા આગળ વધી જાય, ત્યારે પણ ડિપ્રેશનનો ભાવ આવે, ખુશામત ખોરી એ આજનાં સમાજનું એવું દૂષણ છે, કે જેનાથી સાચા માણસોને સહન કરવું પડે છે, અને લાયકાત હોવા છતાં પાછળ રહી જાય છે! એટલે ન ઇચ્છવાં છતાં ઈર્ષા, નિંદા, વેર ઝેર જેવા વિકારો માનસમાં ઘર કરી જાય છે, અને આ ઝેરીલા ભાવો જીવનની પ્રસન્નતા અને શાંતિને હણી લે છે. સતત પાછળ ફેકાઈ જવાનો ડર, હતાશા, નિરાશાથી ડિપ્રેશન આવે છે.
આપણી સંસ્કૃતિ ભાઈચારાની છે, અને એ મુજબ સંસ્કાર મળ્યા હોય, માતા-પિતાને પણ એ જ રીતે જીવતાં જોયાં હોય, પોતે પણ એ રીતે જીવવાનું શરૂ કર્યું હોય, સૌની સાથે મૈત્રી અને પ્રેમનો ભાવ રાખ્યો હોય, અને છતાં કોઈ વિશ્વાસઘાત કરે તો પણ ડિપ્રેશન આવે. આજકાલ પ્રેમને નામે આવા વિશ્વાસઘાત ખૂબ થાય છે! આધુનિક સમયમાં તો પાછી યુવાની પણ વહેલી આવે, કારણ કે માતા પિતા બંને સર્વિસ પર હોય, સીંગલ ચાઈલ્ડ હોય, ઘણું એકાંત મળતું હોય, એ લોકો સમય આપી શકે એમ હોય નહીં, એટલે સાધનો આપી દે, ગમે તેવું જોઈ, ગમે તેવું વાંચીને, કે પછી ટીવી વગેરેમાં જોઈને ઉંમર કરતાં પહેલાં જ અમુક ભાવોનું આકર્ષણ થાય, એટલે તેર ચૌદ વર્ષે તો ગર્લ ફ્રેન્ડ બોય ફ્રેન્ડ ધરાવતાં હોય છે. એક દાયકો એવો હતો કે જ્યારે સ્ત્રીઓની સાથે દગો અને વિશ્વાસઘાત થતાં, પરંતુ આજે સમોવડી બનેલી યુવતીઓ પણ અત્યાર સુધીનો બદલો લેતી હોય, એમ એક સાથે કેટલાય યુવકોને નચાવતી હોય છે, અને આસાનીથી વિશ્વાસઘાત કરતી હોય છે! આ રીતે યુવક યુવતી કે પછી કોઈ વિશ્વાસઘાતનો ભોગ બને અને નાની ઉંમરથી જ વ્યસનના રવાડે ચડી જાય! ગુજરાતમાં શિક્ષણ અર્થે બહાર જતાં ટીન એજ યુવક યુવતીઓમાં સિગરેટ, દારૂ અને ડ્રગ્સનું ચલણ વધી ગયું છે, મોજ શોખ કે પછી આધુનિક કહેવડાવવા માટે અપનાવેલું આ વ્યસન તેને ન કરવાના કામ કરાવે છે, અને એ રીતે પણ ડિપ્રેશન વધતું જાય છે.
આજુબાજુ સર્વત્ર આવા સતત છેતરામણા અનુભવો થયા કરે છે. ડેલી શોપની કાવાદાવા વાળી ટીવી સીરિયલને કારણે ઘર પરિવારમાં પણ રાજકારણ અને ષડયંત્રો પ્રવેશી ગયા છે. પરિવારના મતભેદો મનભેદ સુધી પહોંચી ગયા છે, અને સૌ કોઈને પોતાનું મહત્વ પુરવાર કરવું હોય છે, પણ કોઈને જતું કરવું નથી. ડિપ્રેશન ઉધઈ જેમ આત્મવિશ્વાસને તોડી નાખ છે! અને ભારતીય યુવાધન આવાં ખોટાં રોલ મોડલ કે જેણે જીવનમાં કોઈ સારો ગોલ અચિવ ન કર્યો હોય, એની પાછળ ખર્ચાઈ ન જાય એ માટે ચેતવું પડશે. આપણી પાસે ચરિત્ર નિર્માણ થઈ શકે એવા ઉચ્ચ ચરિત્રો છે, એની જીવનગાથા પોતાના સંતાનોને સંભળાવવી પડશે, જેથી એ એવાં માર્ગે ન ચાલે! તો હકીકતમાં આવી બધી વૈચારિકતામાં સુધારો કરીને આપણે સૌ આધુનિક ભારતના ઘડવૈયા બની શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

