ફેબ્રુઆરી ની 7 થી 14 તારીખ સુધી રોઝ ડે, ચોકલેટ ડે, પ્રપોઝ ડે અને આમ જુદાં જુદાં ડે આવે, અને ઘણીવાર કુમળી વયનાં યુવાનો કુણી કુણી લાગણીથી પ્રેરાઈને ન કરવાનું કરી બેસે! અને કોઈ કોઈવાર તો નાસમજી જીંદગીભર નું કલંક લગાડી જાય! તો આવો જ એક કિસ્સો ..
સલોની કોલેજથી આવી અને મમ્મી મને ભૂખ નથી, એમ કરીને પોતાના રૂમમાં ચાલી ગઈ! સુજાતા એટલે કે સલોનીની મમ્મીને આ વાત કંઈ નવી લાગી નહીં! કારણ કે સલોની ઘણીવાર કોલેજ પછી ફ્રેન્ડ સાથે કેફે વગેરેમાં જતી, અને કંઈક ખાઈને આવે તો એ આવું જ કહેતી! અને એમાં પણ ગઈકાલે રાત્રે તો પ્રેઝન્ટેશનનાં ચક્કરમાં ચાર સુધી જાગતી હતી! એટલે ભલે બિચારી સૂઈ જાય! નહીં તો પાછી ગયા મહિના જેમ બિમાર થઈ જશે! સવારની ડ્યુટી પર હતી એટલે કમર જરાક દુઃખતી હતી, થોડીવાર સૂઈ જવાં વિચાર્યું, કારણ કે આવતીકાલે ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. એણે સ્નેહલ સાથે પોતાનાં લગ્ન ને 21 વર્ષ પૂરાં થયાની પાર્ટી ગોઠવી હતી. સ્નેહલનાં સાથ અને પ્રેમનાં સહવાસમાં 21 વર્ષ કેટલી ઝડપથી પસાર થઈ ગયાં! પણ દર વખતની જેમ આ વર્ષે પણ એને એ એક વિચારે થથરાવી દીધી! કે એ સમયે એનો હાથ પકડી સ્નેહલે લગ્ન ન કર્યા હોત તો! એનું શું થાત? કદાચ પંખે લટકીને….
કોલેજનાં એ દિવસો પણ કેવાં હોય છે! ભલભલાને બેકાબૂ બનાવે! પોતે વિધવા માતાની એકની એક દીકરી હતી, અને આઈ આઈ એસ પાસ કરીને એક ઉચ્ચ ઓફિસર બની પોતાની માતાનાં સમર્પણનું મુલ્ય ચૂકવવા માંગતી હતી! અને એક ભૂલે એને… સાહિલ નામનાં કોલેજનાં એક વિદ્યાર્થી સાથે મૈત્રી થઈ, ધ્યેય પરથી ધ્યાન હટી ગયું, પછી તો આંખી જીંદગી ઘર નામની કેદમાં જ વિતાવવી પડશે! અત્યારે મોજ કરી લે! સાહિલ સતત આવી વાતો કરી એને ભટકાવી દીધી. પછી તો માતા ને નાના મોટા બહાનાં કરી કેફે, સિનેમા, રેસ્ટોરન્ટ, અને હોટલ, પણ બે યુવા તન ને એકાંત મળતાં… ન થવાનું થયું, અને પોતે… સાહિલને મળીને વાત કરી, સાહિલે કહ્યું કે અમારે ત્યાં ગર્ભપાત પાપ છે, એટલે આપણે લગ્ન કરી લઈએ. સુજાતા એ કહ્યું પણ હજી આપણી પાસે નોકરી પણ નથી! સાહિલે કહ્યું તું થોડાં દાગીના અને રુપિયા લઈ આવજે, અને હું પણ થોડાં લેતો આવીશ, એમ થોડો સમય કાઢી નાખીશું, પછી હું ક્યાંક કામ શોધી લઈશ અને પછી આપણાં માતાપિતા માની જશે! એ સમયે પોતે કેટલી સ્વાર્થી થઈ ગઈ, અને રાત્રે માતા થાકીને સૂઈ ગઈ, ત્યારે ઘરમાંથી લગભગ બધાં રોકડા અને દાગીના લઈને નીકળી ગઈ.
પાછલી ગલી માંથી નીકળીને ટેક્સી કરવા માટે વિચારતી જ હતી, ત્યાં સ્નેહલનું સ્કૂટર એની પાસે આવીને ઉભું રહ્યું, અને પુછ્યું સુજાતા અત્યારે ક્યાં જાય છે! મસ્તી કરતાં કહ્યું કે આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે! પણ આ થેલોને એવું લઈને પાર્ટીમાં જઈશ? પોતે થોડી ગેંગેફેંફે થઈ ગઈ! સ્નેહલ એકદમ કડક અવાજે કહ્યું, મારી પાછળ બેસી જા, અને પછી એ મને લઈ ગયો! જ્યાં આગળ સાહિલનો રુમ હતો, બહારથી સાંભળવા કહ્યું! સાહિલ એનાં રુમ મેટ ને કહેતો હતો કે, “મછલી જાલ મેં ફસ ચૂકી હૈં” માલ લેકે આ રહી હૈં! અબ તું ભી મોજ કરના, પોતે એટલી પણ નાસમજ નહોતી, એણે સ્નેહલને કહ્યું કે, આ વાત પોતાની માતાને કરે નહીં! પણ જેમ જેમ સમય આગળ વધશે એમ પેટ ચાડી ખાવાં લાગશે! એ દ્વિધા એને સતાવતી હતી, અને એણે ઘરે જવાની ના પાડી. સ્નેહલ એ પુછ્યું એટલે એણે સાચે સાચું કહી દીધું! સ્નેહલ એ એનો હાથ પકડી પુછ્યું, મારી સાથે લગ્ન કરીશ! પોતે કહ્યું મારી સચ્ચાઈ જાણવા છતાં? અને એણે એની માંગ ભરી દીધી. સ્નેહલ એક મલ્ટી નેશનલ કંપનીમાં સીઈઓ તરીકે આ શહેરમાં આવ્યો હતો, અને પોતાની સોસાયટીમાં જ રહેવાં આવ્યો હતો. બંને જણાં ઘરે આવ્યાં અને સ્નેહલે જ એની માતાને કહ્યું કે અમારી ભૂલ થઈ ગઈ હતી, અને એને સુધારવા અમે લગ્ન કરી લીધાં. સ્નેહલમાં કોઈ ખરાબી નહોતી એટલે માતાને કોઈ વાંધો નહોતો, પણ એનું આઈ આઈ એસ બનવાનું સપનું અધૂરું રહેશે એનો રંજ હતો, પણ સ્નેહલ એ એને વચન આપ્યું કે એને ભણાવશે, અને આમ 14 ફેબ્રુઆરી એટલે કે “વેલેન્ટાઈન ડે” થી એક એવી સફર શરૂ થઈ કે જેમાં બસ આનંદ જ આનંદ હતો.
પણ 14 ફેબ્રુઆરી અને વેલેન્ટાઈન ડે નું સ્મરણ થતાં જ સુજાતા ચોંકી ગઈ , કારણ કે એની દિકરી સલોની પણ અત્યારે કોલેજમાં હતી! ઉપરથી એનું વર્તન પણ ક્યારેક સમજાય નહીં એવું જ હોય છે! હે ઈશ્વર ક્યાંક…. અને એને ચક્કર આવી ગયાં! કારણ કે દરેકનાં નસીબે સ્નેહલ નથી હોતાં. એ એકદમ ઉભી થઇ ગઈ અને સલોનીનાં રુમ પાસે ગઈ, અને જોયું તો સલોની સાચે જ સૂઈ ગઈ હતી! એને થોડો હાશકારો થયો, પણ એને આવી પરિસ્થિતિથી વાકેફ કરવાં પોતાનો ઈતિહાસ કહેવો પડશે! એણે સ્નેહલને વાત કરી, સ્નેહલે કહ્યું કે એમ કરવાથી એને પોતાનાં જન્મની સચ્ચાઈની ખબર પડી જશે! અને શક્ય છે, પછી એને એવું થાય કે, આ મારા પિતા નથી, આ મારો ધર્મ નથી! તો આપણે શું કરીશું? એનાં કરતાં થોડી રાહ જોઈએ, હજી થોડી પરિપક્વ બુદ્ધિ થાય પછી…
થોડીવારે સલોની આવી અને કહ્યું મને તમારી સાથે વાત કરવી છે! બંને જણાએ એકબીજા સામે જોયું. મમ્મી આજે હું મારી એક ફ્રેન્ડ પરવીનને ઘરે ગઈ, તો ત્યાં મને એક વ્યક્તિ મળી! અને જ્યારે એને ખબર પડી, કે હું તમારી દિકરી છું, ત્યારે એણે મને કહ્યું કે.. સલોની થોડીવાર ખમી, જાણે કે શબ્દો શોધતી હોય. સુજાતાને પરસેવો થઈ ગયો, પણ એણે પોતાની જાતને સંભાળી લીધી. એણે કહ્યું કે મારા પિતાનું નામ સાહિલ છે, આમ સલોની એકદમ બોલી ગઈ. સ્નેહલ એ બાજી સંભાળી લીધી, અને કહ્યું કે કોણે છે એ! મારી પાસે લઈ આવજે એને! તું મારી જ દિકરી છો! તારાં બર્થ સર્ટિફિકેટ પર મારું જ નામ છે! માત્ર ત્યાં નહીં તારાં એક એક શ્વાસ પર મારું નામ છે! સુજાતા એ કહ્યું કે બેટા નક્કી કોઈ તને ભરમાવે છે, શું તને ક્યારેય એવું લાગ્યું કે સ્નેહલ… સલોની એ વાત કાપતા કહ્યું કે, ઓફ કોર્સ નોટ! મારા પપ્પા તો વર્લ્ડનાં બેસ્ટ પપ્પા છે,આમ કહી એને વળગી પડી, અને પિતાનો એ પોતીકો અહેસાસ, એનાં મનનાં તમામ સંશયોને ભસ્મીભૂત કરી ગયો! અને મમ્મીએ સમજાવ્યું કે બેટા એટલે જ મિત્રો સમજી વિચારીને કરવાં. પોતે એ જાતિની હોવાથી પરવીનનાં ભાઈ સાથે એને ખેંચાણ થાય છે, એ વિચારનો પણ અંત આવી ગયો, અને એ હળવીફૂલ થઈ ગઈ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

