આજે મહા શિવરાત્રી એટલે કે આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌલી ચિદંબરા, કોટી કોટી પ્રણામ શંભુ ,કોટી નમન દિગંબરા, એવાં અજન્મા આશુતોષના અલૌકિક છતાં મૌલિક સ્વરૂપને આત્મસાત કરવાનો દિવસ. હિન્દુ સનાતન ધર્મમાં આ જડ ચેતન સૃષ્ટિ માટે ત્રિદેવની ભૂમિકા સ્વીકારવામાં આવી છે, પણ આદિ દેવ તરીકે ભગવાન શિવને માનવામાં આવે છે અને એનાં પ્રખર પંડિત કરી શકે એવાં સંસ્કૃતમાં કેટલાય સ્તોત્ર છે, અને લોક જીભે આસીનીથી કંઠસ્થ થાય એવાં ભજનો પણ છે! અને આમ શ્લોક અને લોકના ભાવ વિશ્વમાં સાકાર કે નિરાકાર રુપે નિરંતર વિહાર કરતો દેવ એટલે મહાદેવ. આજે શિવાલયો હર હર મહાદેવ કે પછી ઓમ નમઃ શિવાયના અલખ નાદની ગૂંજથી ગાજશે. દર મહિનાની વદ ચૌદશને શિવરાત્રી કહેવામાં આવે છે, જ્યારે આજે મહા વદ ચૌદશને મહા શિવરાત્રી કહેવામાં આવે છે. ભગવાન શંકરને આરાધવા માટે આ રાત્રિનું ખૂબ મહત્વ છે. હિન્દુ સનાતન ધર્મમાં ભગવાન શંકરનું સ્થાન સૌથી ઉપર માનવામાં આવ્યું છે, એટલે કે સર્વોપરી સત્તા, સર્જન અને વિસર્જનનાં એ અધિષ્ઠાતા દેવ છે, એટલે જ એને દેવોનાં દેવ મહાદેવ કહેવામાં આવે છે. અન્ય દેવની સરખામણીમાં એની પૂજા ઉપાસના પણ સાવ સરળ અને સસ્તી છે, દૂધ, પાણી, બિલ્વ, ધતૂરા જેવાં સાધનોથી પણ એ પ્રસન્ન થાય છે, અને ભકતનાં દુઃખ દૂર કરે છે! હિન્દુઓનાં દરેક તહેવાર પાછળ કોઈ ને કોઈ પૌરાણિક કથા હોય છે, એમ મહા શિવરાત્રી પાછળ પણ ઘણી કથા છે.
શિવ અને પાર્વતીના લગ્નનો દિવસ પણ મહા વદ ચૌદશ છે.
બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે બેમાં કોણ શ્રેષ્ઠ એનું વાક યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ ને પોતાના અસ્તિત્વની સચ્ચાઈ બતાવવા ભગવાન એક સ્તંભ રુપે પ્રગટ થયાં એટલે કે સૌ પ્રથમ શિવલિંગ પ્રગટ થયું, એ દિવસને મહા શિવરાત્રી કહેવાય છે. આ ઉપરાંત બાર જ્યોતિર્લિંગમાં એક સાથે જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયાં હતાં, અને આમ મહાદેવનું નિરાકાર સ્વરૂપ આ દિવસથી અસ્તિત્વમાં આવ્યું એ પણ આ તહેવારનું મહાત્મ્ય છે.
દ્વાપર યુગની શરૂઆત મહા વદ ચૌદસ એટલે કે શિવરાત્રીનાં દિવસથી થઈ હતી તેથી તેનું મહાત્મય છે.
સમુદ્ર મંથન સમયે હળાહળ વીષ જે દિવસે પ્રાપ્ત થયું અને ભગવાન શિવ શંકરે હળાહળ વિષ પી લીધું, તે દિવસ મહા શિવરાત્રીનો દિવસ હતો.
એક વખત પૃથ્વી પર મહાપ્રલય તોળાઈ રહ્યો હતો, અને મા જગતજનની જગદંબા દેવ, દાનવ, અને માનવ,યક્ષ કિન્નર એમ પોતાનાં તમામ સંતાનો માટે વ્યથિત થઈ ગયાં, ત્યારે તેમણે વેદોક્ત વિધિ અનુસાર ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું, અને ભગવાને પ્રસન્ન થઈ તેમને કહ્યું કે મહા શિવરાત્રીને દિવસે જે કોઈ મારું ધ્યાન કે પૂજન અર્ચન કરશે, તેઓ પ્રલયમાંથી પોતાની જાતને બચાવી શકશે.
બીજી એક કથા અનુસાર શિવરાત્રીનો એક દિવસ, શિવનાં આરામનો દિવસ છે, એટલે કે એક પ્રહર એટલે આશરે ત્રણ કલાકનો ગાળો શિવ કોઈ તમસને પણ સ્વીકારતાં નથી, તેમજ કોઈ કલ્યાણને પણ સ્વીકારતાં નથી. આથી સૃષ્ટિ પર નકારાત્મક ભાવ વધવાની સંભાવના વધી જાય છે, અને તેથી શિવ શંકરને બિલ્વ ધતુરા વગેરેથી પૂજન કરી નકારાત્મકતા ઘટાડવામાં આવે છે.
નાગર ગૃહસ્થનાં ઘરમાં જન્મ, એટલે હાટકેશ્વર રૂપે મહાદેવ અને મા અંબાનું નાનપણથી પૂજન અર્ચન કર્યું, પપ્પામાં તો એમનાં બધાં જ ગુણ એકદમ સહજ હતાં,એમ કહોને સાક્ષાત મહાદેવ સ્વરૂપ જ હતાં, અને મમ્મી કહેતી કે મહાદેવ તો ભોળાનાં ભગવાન છે, અને માત્ર ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી પ્રસન્ન થાય! ગાયત્રી મંત્ર પહેલાં પણ ૐ નમઃ શિવાય શીખ્યા, અને હરતાં, ફરતાં રમતાં ૐ નમઃ શિવાય બોલતાં પણ ખરાં! એમ અમુક ગુણો સહજ થયા! સૌથી પહેલો ગુણ કે બધાંમાં વિશ્વાસ રાખવો, અને કોઈપણને તકલીફમાં જોઉં તો સંવેદના થાય, અને કેમ એનું દુઃખ દૂર કરવું એ ભાવ દ્ર્ઢ બને, એટલે કે કરુણા! ઈશ્વર ચરણે નિત્ય પ્રાર્થનાં પણ ક્યારેય સ્વ માટે થઈ નથી, સર્વનાં શુભ અને કલ્યાણની જ માંગ થઈ. ઇતિહાસમાં એવાં કેટલાંય દ્રષ્ટાંત મળશે કે જેની જાત પાત જોયા વગર ભગવાન શિવએ એની મદદ કરી, પણ એનાં મુખ્ય ગુણ એટલે કે કલ્યાણનો નિર્વાહ કરી શક્યાં નહીં, માટે તેમના ક્રોધનો શિકાર બન્યા.
દેવોનાં દેવ મહાદેવનાં ઘણાં જ નામો છે, પણ સાવ સામાન્ય રીતે શિવ, શંભુ, અને શંકર એ ત્રણ નામનો વધું પ્રયોગ કરીએ છીએ. તત્વતઃ એક જ દેવ માટે પ્રયોજાયેલા શબ્દ હોવાં છતાં ત્રણેયની કક્ષા ભિન્ન છે. જેમકે આપણે જીવ અને શિવ, એમ ઈશ્વરની સરખામણી કરતાં હોઈએ છીએ. એટલે કે જે જીવને( મનુષ્ય) જીવતાં જ પોતાનાં શરીરમાં એ જ પરમેશ્વરની પૃષ્ટિ થાય કે પછી સાક્ષાત્કાર થાય એ પરમ તત્વ એટલે શિવ. બીજો શબ્દ છે શંભુ, અને શિવ રુપે જે પરમ તત્વને અંદર અનુભવ્યું હતું, એ જ પરમ તત્વનાં અન્યમાં દર્શન કરીને સર્વનાં શુભ માટે વિચારવું એ પરમ તત્વ એટલે શંભુ. જ્યારે શંકર એટલે સૌમાં એ જ પરમ તત્વને અનુભવીને એમનાં દુઃખ દર્દ દૂર કરવાં કે પછી સુખની વૃદ્ધિ કરવાં માટે સતત ક્રિયાશીલ રહેવું અને વર્તનમાં કલ્યાણના ભાવને સતત ક્રિયાન્વિત રાખી લોક કલ્યાણ માટે નીકળી પડવું!; જે મળે તેનાથી પોતાના શરીરનો નિર્વાહ કરી લેવો, અને સતત પરમની મસ્તીમાં રહેવું એ અલગારી, અવધૂતી અવસ્થાનું નામ શંકર છે, તો આ છે આ ત્રણેય તત્વની ભિન્ન કક્ષા! આધ્યાત્મિક સાધનાનાં પંથ પર નીકળી આત્મખોજ કરવી એ મનુષ્યની સૌથી પહેલી ઉપલબ્ધિ છે, અને પછી જ બાકીની બે કક્ષામાં જીવ જઈ શકે છે. જોકે નામ સ્મરણ જેવી સરળ સાધના પણ શિવ, શંભુ, અને શંકર જેવી કક્ષામાં જીવને લઈ જઈ શકે છે! જન્મોજન્મની આ યાત્રામાં જીવનું શિવ થવું એટલે કે પોતાનામાં પરમ તત્વનાં દર્શન કરવાં, એટલે સુધી તો થાય છે,પણ સર્વનાં શુભનો ભાવ કાયમ રહેતો નથી, અને ભાવ રહે તો પણ, કાયમ સૌનું કલ્યાણ થાય, એવું વર્તન કરવા દેતો નથી, માટે શંકર થતાં થતાં રહી જવાય છે.
મહા શિવરાત્રીનાં પ્રસાદ તરીકે ભાંગનું પણ એક અનેરું મહત્વ છે! ભાંગ મસ્તીનું પ્રતિક છે, અને એ અલગારી અવધૂતી અવસ્થામાં લઈ જઈ શકે! કે જ્યાં માત્ર ને માત્ર પરમ તત્વની અનૂભૂતિ થતાં, જીવ સ્થૂળ શરીરની આળપંપાળ ભૂલી એમાં ઓતપ્રોત થાય! ભાંગ એટલે વારંવારનાં ભ્રમ ભટકાવ અને અતિ અહંકારને મધ્યસ્થ કરનારુ એક દ્રવ્ય કે જે જીવને શિવની એક અલૌકિક સૃષ્ટિની આલ્હાદક અનૂભૂતિ કરાવે છે.પણ પ્રવર્તમાન સમયમાં ભાંગ માં નશો કરાવનારાં કેફી દ્રવ્યો ઉમેરી, પ્રસાદનું અપમાન કરવામાં આવે છે, જે ખોટું છે! બીજું ભગવાન નાં શિવલિંગ પર દૂધ ચઢાવવાને નામે લાખો લીટર દૂધનો વ્યય થાય છે, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે, જેનું સાધકે ધ્યાન રાખવાનું હોય છે. શિવલિંગ પર ચડતાં દૂધનાં અતિરેકને આજનાં સમયે ટાળવું, અને એ દૂધનો ઉપયોગ ગરીબોનાં બાળકો સુધી પહોંચતું કરવું એ અતિ મહત્વનું છે, અને કદાચ શિવત્વને આત્મસાત કરવા માટે જરૂરી પણ છે, કારણ કે શિવ એટલે જ કલ્યાણ! અને કલ્યાણ એટલે જ શિવ.. આવી એક પપ્પાની શીખ કાયમ રહી. મહા શિવરાત્રીના પાવન અવસરે ભગવાન આપણને ભોળા થતાં શીખવી જાય એવું કંઈક કરવું એ જ આ તહેવારનું ખરું મહાત્મ્ય છે. જય હિન્દ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

