આજે આટલી સફળ થયાં બાદ પણ સ્ત્રીઓ જો પોતાની પર અત્યાચાર થાય છે, કે પછી સ્ત્રી સમોવડીનો નારો લગાવી વારેવારે પોતાની જાતને સહાનુભૂતિનું ક્ષેત્ર બનાવતી હોય! તો વિચારો ખરેખર એ સમયમાં એમની સાથે જે થયું, એ વેદના કેવી હશે! જોકે સમયનાં આ મોડ પર પણ બાયોલોજીકલ ડિફ્રન્સને કારણે કે પછી મેન ઈગોને કારણે, ક્યાંક ક્યાંક હજી કન્યાઓને કે સ્ત્રીઓને અન્યાય થતો જ હોય છે! ભલે આ રેશિયો પાંચ દસ ટકા જ હશે! પણ ટીવી સિરિયલ, સિરિઝ અને ફિલ્મોમાં આ પાંચ દસ ટકાને જ ટાર્ગેટ કરી હજી પણ સ્ત્રીઓ સાથે આટલો જુલ્મ થાય છે, એવું બતાવાય છે! અને ઉલ્ટાનું સીધાસાદા યુવક યુવતીઓ ફિલ્મ કે વેબ સિરીઝ માટેનાં સૂટ કરેલાં ખોટાં સાચાં દ્રશ્યો જોઈને અમારી સાથે પણ આવો જ વ્યવહાર થાય છે! અમારી ભિન્ન લાગણીઓને કોઈ સમજતું નથી! એમ વ્યસનનાં આડા રસ્તે જાય છે! અથવા તો મનોવિકૃત બની જાય છે, અને જ્યાં કેવળ પતન છે. સ્વર્ગમાં સૂરા, રાજાઓનો કસુંબો કે નવાબ બાદશાહની મદિરા આ બધું આપણાં સમાજમાં પહેલેથી જ છે, અને પુરુષને એનું સદા આકર્ષણ રહ્યું! સમય બદલાતો ગયો અને આજે સ્ત્રીઓ પણ વ્યસની થતી જાય છે, આપણું વર્તુળ તો સિમિત હોય એટલે, ટીવી સિરિયલ, સિરિઝ, કે ફિલ્મમાં જ યુવતીઓને ધૂમાડા કાઢતી, કે હાથમાં વાઈનના ગ્લાસ લીધેલી જોઈ હોય! પણ ઘણીવાર વિચાર આવે કે, એ સમયે સ્ત્રીની હિમાયત માટે આગળ આવેલી મહિલાઓ એ પડકાર આપી મહિલાની તરફેણમાં ચુકાદા લાવવાં માટે જહેમત કરી હશે! અને પરિણામ મેળવ્યું હશે, એ મહિલાએ સો ટકા સ્ત્રીઓ આટલી હદે નિર્લજ્જ થશે, એવું તો નહીં જ વિચાર્યું હોય! કાયદા અને ચુકાદાની વાત આવી છે, તો આજે આપણે ભારતની પ્રથમ મહિલા વકીલ કોર્નેલિયા સોરાબજીને એમની કારકિર્દી માટે ચરણોમાં શબ્દ પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરીશું.
કોર્નેલિયા સોરાબજીનો જન્મ ઓગણીસમી સદીનાં ઉત્તરાર્ધમાં એટલે કે 1866 માં ભારતનાં મહારાષ્ટ્ર રાજ્યનાં નાસિકમાં પારસી કુટુંબમાં થયો હતો, અને તેમના પિતાનું નામ સોરાબજી કારસેદજી અને માતાનું નામ ફ્રાન્સીના ફોર્ડ હતું. પિતા પારસી માંથી ધર્માંતર કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી પાદરી બન્યા હતા! જેમને દસ સંતાનો હતાં, અને જેમાં કોર્નેલિયા સોરાબજી અત્યંત તેજસ્વી હતા! એમની માતા તેલુગુ હતાં અને એક અતિ ધનવાન ફોર્ડ દંપતી એ એમને દત્તક લીધા હતાં, અને ભણાવ્યાં હતાં! એમની માતા એ સમયની મહિલા ઓ માટે સામાજિક સુધારા માટે આગળ આવી હતી, અને મુંબઈમાં કન્યાશાળાઓ ખોલાવી હતી, અને નાનપણથી આવું જોઈને કોર્નેલિયા સોરાબજીને પણ મહિલાઓ માટે કંઈક કરવાની પ્રેરણા થઈ.
બધાં જ ભાઈ-બહેનોમાં કોર્નેલિયા ખૂબ તેજસ્વી અને બુદ્ધિશાળી હતી, અને અન્યાય સામે તરત જ અવાજ ઉઠાવતી, આમ તેનાં આ ગુણો જોઈ, કોર્નેલિયાની માતાએ નક્કી કર્યું કે, તેણીને પૂરતું શિક્ષણ આપવું. આથી કોર્નેલિયાને પૂનાની પ્રાથમિક શાળામાં મૂકવામાં આવી.પછી કોર્નેલિયાને મીશનરી શાળામાં ભણાવવામાં આવી.આમ તેણીએ શાળાનું શિક્ષણ પૂરું કર્યું.
હવે કોર્નેલિયામાં આગળ ભણીને સ્ત્રીઓ સામે થતાં અન્યાય સામે લડવાની પ્રબળ ઈચ્છા હતી. આના પ્રથમ ચરણરૂપે કોર્નેલિયા કોલેજનું શિક્ષણ લેવું પડે. આથી કોર્નેલિયાએ બોમ્બે યુનિવર્સિટીમાં, આર્ટસ વિભાગમાં એડમીશન માટે અરજી કરી. પરંતુ એ સમયમાં મુંબઈ યુનિવર્સિટીમાં, કોઈ યુવતીને એડમીશન મળતું નહિ. એ સમય અંધકારનો યુગ હતો. ત્યારની વિચારસરણી મુજબ છોકરીઓને શિક્ષણનો અધિકાર નથી, અને કોલેજ કે યુનિવર્સિટી છોકરીઓને પ્રવેશ આપે, તો તેનો સામાજિક બહિષ્કાર થતો.પરંતુ કોર્નેલિયા એ સખ્ત વિરોધ કર્યો અને લડત આપીને એડમિશન મેળવ્યું.
આર્ટસ વિભાગમાં દાખલ થનાર તે ભારતની પ્રથમ યુવતી હતી. તેણીએ ભારતીય યુવતીઓ માટે મુંબઈ યુનિવર્સિટીનાં દ્વાર ખોલી નાખ્યા. આ પછી આર્ટસ કોલેજના ચારે વર્ષમાં પ્રથમ નંબરે પાસ થઈ, તે અંગ્રેજી અને તત્ત્વજ્ઞાાન એટલે કે ફીલોસોફીમાં સ્નાતક થયા.
એ સમયમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ યુવક યુવતીનો ભેદ હતો. કોર્નેલિયાને લો કરવા ઓકસફર્ડમાં ભણવા જવું હતું, અને એટલે ઓક્સફર્ડમાં એડમીશન માટે અરજી કરી, પરંતુ તેનો અસ્વીકાર થયો. જોકે પ્રવેશ મળે તો પણ આર્થિક સમસ્યા તો હતી જ.
છતાં કોર્નેલિયાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીની સમરવીલ કોલેજમાં કાગળ લખ્યો, અને તેમાં છોકરી તરીકે કેમ પ્રવેશ ના મળે? તેના પ્રશ્નાર્થો કરી દલીલો કરી. પછી તેણે ઓક્સફર્ડની સમરવીલ લો કોલેજમાં એડમીશન તો મળ્યું, પરંતુ આર્થિક સમસ્યાનો નિવેડો કેમ લાવવો?
કોર્નેલિયા એ ઈન્ડીયન એસોસીએશનને આર્થિક મદદ માટે પત્ર લખ્યો. એ સમયમાં બ્રીટીશ બાર કાઉન્સીલ કોઈ ભારતીયને સ્કોલરશીપ આપતાં ન્હોતા. પરંતુ તેણીનાં નાના બ્રીટીશ હતાં, આથી તેમની મદદથી કોર્નેલિયાને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સ્કોલરશીપ મળી. અને તેઓ લંડન ભણવા ગયા. લંડનમાં રહેવા વગેરેનો ખર્ચ ફ્લોરેસા નામની નર્સે ઉઠાવ્યો.આમ કોર્નેલિયા સમરવીલ કોલેજ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં, સિવિલ લો ભણ્યાં, દરેક ક્લાસમાં ટોપર રહ્યાં અને સિવિલ લોની ડિગ્રી લઈ ભારત પરત ફર્યા.
એ સમયમાં ભારતીય મહિલાનું જીવન સંપૂર્ણ અંધકારમય હતું. સતીનો રિવાજ, બાળલગ્ન અને ખાસ કરીને પરદો રાખવો, સ્ત્રીએ પડદામાં રહેવું પડતું. ભારતીય મહિલા પડદામાં રહે અને કોઈ અન્ય પુરુષ સાથે વાતચીત પણ કરી શકે નહીં, બહાર પણ પરદા વગર નીકળી ના શકે. આ બધી રિવાજોની બેડી સામે કોર્નેલિયા કાળો કોર્ટ પહેરીને કોર્ટમાં લડત આપવી હતી. પરંતુ તેમની પાસે પ્રેકટીસ કરી શકે તેવી ભારતીય ડીગ્રી ન્હોતી. આથી તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાં એકવર્ષ એલએલબી અને એક વર્ષ વકીલાત કરી શકે તે ડિગ્રી પ્રાપ્ત કરી. આમ તેઓ વકીલ બન્યાં પરંતુ એ સમયમાં ભારતીય કોર્ટ મહિલાઓને વકીલ તરીકે કેસ લડવાની પરવાનગી આપતી ન્હોતી, આથી પરદાનશીન મહિલાઓનો કેસ લડી શકતા ન્હોતા. આર્થિક ટેકા માટે મુંબઈની એક કોલેજમાં તેમણે પ્રોફેસર તરીકે નોકરી લીધી.
ઈ.સ. 1923માં ભારતીય કોર્ટમાં મહિલાઓને મંજૂરી મળી એટલે તરત જ કલકત્તાની કોર્ટમાં કોર્નેલિયાએ વકીલ તરીકેની અરજી કરી અને તે મંજૂર થતા કાળોકોટ પહેરી પડદાવાળી ભારતીય મહિલાઓ માટે કેસ લડવાના શરૂ કર્યા. તેઓ ૫ વર્ષ સુધી જ કેસો લડી શક્યાં, કારણ કે ૫૮ વર્ષ કોર્ટની નિવૃત્તિની ઉંમર હતી. આ પાંચ વર્ષમાં ભારતીય મહિલા અને બાળકો માટે 600 કેસ લડ્યાં.
કોર્નેલિયા સોરાબજી ભારતીય વકીલ બની ગયાં પરંતુ તેમના લડાયક વિચારોને લીધે, તેમને ઝેર આપવાનો પણ પ્રયાસ થયો હતો. આમ સંઘર્ષભરી યાત્રા કરી, કોર્નેલિયા સોરાબજીએ ભારતીય મહિલાઓ માટે કોર્ટનાં દરવાજા ખોલી નાખ્યા.
કોર્નેલિયા સોરાબજીનો જન્મ એક પારસી ખ્રિસ્તી ધર્મને માનતાં પરિવારમાં થયો, અને આપણે જાણીએ છીએ એમ એ સંસ્કૃતિમાં થોડી છૂટછાટ વધુ હોય! એટલે એ રીતે જોઈએ તો એને પોતાનાં જીવનમાં એવી કોઈ પક્ષપાતની અડચણ નહોતી! પણ સમાજની બહેન દિકરીઓ આ રીતે ઘૂંટાઈ ઘૂંટાઈ ને મરી જાય, ક્યાંક દહેજ નું દૂષણ તો ક્યાંક મર્યાદાને નામે શોષણ આ બધું જ એને ખટકતું હતું! માટે એમણે આટલો સંઘર્ષ કર્યો, જે ખરેખર વંદનીય છે.1866 માં ભારતીય સમાજમાં મહિલાઓ માટે જ જેણે જન્મ લીધો હતો, એવાં સામાજિક અને આર્થિક રીતે તલવારની ધાર પર ચાલીને કોર્નેલિયા સોરાબજી નામની એક દિવ્ય જ્યોત 1954ની સાલમાં આકાશનો એક તારો થઈ કંઈ કેટલીય મહિલાઓને રાહ ચીંધી રહ્યો છે. જય ભવાની.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

