હમણાં જ એક અવકાશી સંયોગ થયો હતો, અને એકસાથે લાઈનમાં બધાં પ્લેનેટ એટલે કે ગ્રહો ગોઠવાયેલાં હશે! એવો મેસેજ જોયો હતો જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ઘટનાં ભાગ્યે જ ઘટે છે, અને પાછું એને જોવાં માટે કોઈ ટેલિસ્કોપની જરૂર પણ નહોતી! સોશિયલ મીડિયા પર આને લઈને ફોટો વીડિયો અને ખૂબ મેસેજ ફોરવર્ડ ફર્યા! પૃથ્વી નામનાં આ ગ્રહ પર અસ્તિત્વ ટકાવી રાખવાં માટે માનવીને જ્ઞાન અને વિજ્ઞાન બંનેની જરૂર પડે છે. પોતાની આસપાસની બાહ્ય પ્રકૃતિમાં શું થઈ રહ્યું છે! હવામાનની કેવી અસર છે! કે પછી ચોવીસ કલાક પછી હવામાનમાં શું ફેરફાર આવી શકે! તાપમાન કેટલી ડીગ્રી વધશે! કે પછી હવાનું દબાણ ઘટી જતાં વાવાઝોડું આવશે!આ બધું જ જાણવાં માટે વિજ્ઞાન બહુ મદદ કરે છે. આ ઉપરાંત માનવીય શરીર બંધારણ માટે પણ એનું વિજ્ઞાનને જાણવું જરૂરી છે! આસપાસની ભૌતિક અથવા તો સ્થૂળ અને નિર્જીવ પદાર્થોનાં પણ બંધારણ હોય છે, અને એનું પણ વિજ્ઞાન હોય છે! કે પછી પ્રાકૃતિક ઘટકો ભૌતિક પદાર્થ પર કેવી રીતે અસર કરે છે! માનવીય રોગ અને એનો સામનો કરવા રોગપ્રતિકારક તત્વ શોધવાં પણ વિજ્ઞાન મદદ કરે છે!; મૂળભૂત રીતે બાયોલોજી એટલે જીવવિજ્ઞાન, કેમેસટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, અને ફિઝીક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનની મદદથી કે તેની આસપાસ આપણું જીવન ચકરાવા લે છે. આજે તો હવે વિજ્ઞાનની પેટા શાખાઓ અને એની શોધથી માનવીએ ઘણું મેળવ્યું છે! પણ પહેલાં એવું નહોતું અને ભારત પાસે બહુ વૈજ્ઞાનિકો પણ નહોતાં, અને એમાં પણ મહિલા વૈજ્ઞાનિક તો હતાં જ નહીં! તો આજે આપણે ભારતની પ્રથમ મહિલા વૈજ્ઞાનિક તરીકે જાણીતાં અન્ના મણિ ને શબ્દ ભાવાંજલિ અર્પિત કરીશું.
ભારતની પ્રથમ મહિલા વૈજ્ઞાનિક અન્ના મણિનો જન્મ ના 23 ઓગસ્ટ 1918માં કેરળ રાજ્યના પીરમેડુ માં થયો હતો, અને તેમનું બાળપણ ત્રાવણકોર માં વિત્યું હતું. અન્ના એક પરંપરાગત ઉચ્ચ વર્ગનાં સિરિયન ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યાં હતાં, જ્યાં મોટા ભાગે પુત્રીઓને લગ્ન માટે જ તૈયાર કરાતી હતી. પરંતુ અન્નાએ પોતાનાં જીવનનાં મહત્ત્વનાં વર્ષો લગ્નની તૈયારીની બદલે પુસ્તકોની આસપાસ ગાળવાનું પસંદ કર્યું.
અન્ના મણિને પુસ્તકો વાંચવાનો શોખ હતો. આ જ કારણ હતું કે, તેમણે તેમના જીવનના શરૂઆતના વર્ષો પુસ્તકોમાં ડૂબીને વિતાવ્યા હતા. એવું કહેવાય છે કે, 12 વર્ષની ઉંમર સુધીમાં મણિએ તેમની આસપાસની સાર્વજનિક પુસ્તકાલયના લગભગ દરેક પુસ્તક વાંચી લીધાં હતાં. રસપ્રદ વાત એ છે કે, આટલી પ્રસિદ્ધિ પામ્યા પછી અને આટલી બધી જવાબદારી છતાં અન્ના મણિ જીવનભર એટલી જ ઉત્સુકતાથી નવું નવું વાંચન કરતાં હતાં.
હાઈસ્કૂલ બાદ તેણે વુમન્સ ક્રિશ્ચિયન કોલેજ ડબલ્યુ સી સી. માં પોતાનો ઈન્ટરમીડિયેટ સાયન્સ કોર્સ પૂર્ણ કર્યો, અને બાદમાં પ્રેસિડેન્સી કોલેજમાંથી ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં ઓનર્સ સાથે બેચલર ઓફ સાયન્સ પૂર્ણ કર્યું હતું. સ્નાતક થયાં બાદ તેમણે એક વર્ષ માટે ડબલ્યુ સી સી માં શિક્ષિકા તરીકે કામ કર્યું અને બાદમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લોરમાં અનુસ્નાતક અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મેળવી. અન્ના મણિ ભૌતિકશાસ્ત્રનાં વધુ અભ્યાસ માટે 1945 માં લંડનની ઈમ્પિરિયલ કોલેજ પણ ગયાં હતાં. જ્યાંથી તેમણે હવામાનશાસ્ત્રનાં સાધનોની કુશળતા પ્રાપ્ત કરી હતી.
ભારતીય વિજ્ઞાન સંસ્થાનમાં નોબેલ પુરસ્કાર વિજેતા સર સીવી રામનના માર્ગદર્શન હેઠળ તેમણે સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ 1942 અને 1945ની વચ્ચે phd સ્નાતક કાર્યક્રમ શરૂ કર્યો હતો. કહેવાનું તાત્પર્ય એ છે લંડનમાં તેમણે phd માટેનો સ્નાતક કાર્યક્રમ શરૂ કર્યો, ત્યારે તેઓ હવામાનશાસ્ત્રના સાધનો વગેરેમાં વિશેષતા ધરાવતાં જ હતા, અને છતાં એમને હજી ભણવાની ભૂખ હતી અથવા તો દેશને નામે હજી કોઈ વૈજ્ઞાનિક શોધ કરવાં માંગતાં હતાં.
તેમણે 1948માં ભારત પરત ફર્યા બાદ ભારત હવામાન વિભાગ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યાં તેમણે દેશને પોતાનાં હવામાન સાધનોની ડિઝાઈન અને ઉત્પાદન કરવામાં મદદ કરી હતી.
જ્યાં તેમણે હવામાનને લગતાં 100 ઉપકરણોની ડિઝાઇન સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવી, જેથી તેમનું ઉત્પાદન થઈ શકે. આ સિવાય તેમણે સોલાર ઊર્જાનો ને ઊર્જાનાં સ્રોત તરીકે કરવાં તેમણે મોનિટરિંગ સ્ટેશન સ્થાપ્યાં.
અન્ના મણિની પોતાનાં વિષયોમાં કાબેલિયત કેવી હશે! કે આ સમયનાં પુરૂષ પ્રભુત્વવાળા ક્ષેત્રમાં પણ એમને નિયુક્ત કરવામાં આવ્યાં! એમણે પોતાનાં ક્ષેત્રમાં એટલો સારી રીતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો, કે 1953 સુધીમાં અન્ના મણિ હવામાન વિભાગનાં વડા એટલે કે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયાં હતાં. અન્ના મણિ અનાદિ કાળથી વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો અંગે વાત કરતી હતી. 1950ના દાયકા દરમિયાન તેમણે સૌર કિરણોત્સર્ગ મોનિટરિંગ સ્ટેશનોનું નેટવર્ક સ્થાપ્યું હતું, અને ટકાઉ ઉર્જા પર ઘણા પત્ર પ્રકાશિત કર્યા હતા.
અન્ના મણિ બાદમાં ભારતનાં હવામાન વિભાગની ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બની અને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ મીટીરોલીજીકલ ઓર્ગેનાઈઝેશનમાં અનેક મુખ્ય હોદ્દા પર રહ્યાં હતાં. 1987માં તેમને વિજ્ઞાનમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે NSA KR રામનાથન મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે પોતાની કારકિર્દીમાં વાતાવરણમાં રહેલ ઓઝોનને માપવા માટે પણ કામ કર્યું. વર્ષ 1960માં જ્યારે વિશ્વ હજુ ઓઝોન સ્તરનાં મહત્ત્વ અંગે જાણતું ન્હોતું, તે સમયે તેમણે આ કારનામું કર્યું હતું. તેમજ થુંબા રૉકેટ લૉન્ચિંગ ફેસિલિટી ખાતે હવામાનખાતાની ઑબ્ઝર્વેટરી પણ સ્થાપી.
આ સિવાય હવામાનવિભાગમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે પવન ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરવાની દિશામાં પણ ફાળો આપ્યો. તેમણે દેશમાં 700 કરતાં વધુ સ્થળોએ પવન ઊર્જાના મૅઝરમૅન્ટ માટે કામ કર્યું હતું. જેણે આજના ભારતને પવનઊર્જા ક્ષેત્રે આગળ પડતું બનાવવામાં ભૂમિકા ભજવી. અન્ના મણિ ગાંધીજીનાં વિચારોથી બહુ પ્રભાવિત થયા હતા અને એટલે એમણે છેક સુધી ખાદી પહેરી અને પોતાના વપરાશ ની ચીજ મા સ્વદેશી નો આગ્રહ રાખતાં.
અન્ના મણિ ભારતની પ્રથમ મહિલા વૈજ્ઞાનિકો માંથી એક છે. તેમનું કાર્ય અને સંશોધન પણ એવા પરિબળોમાંથી એક હતું, જેણે ભારત માટે હવામાનની સચોટ આગાહી કરવાનું શક્ય બનાવ્યું, અને દેશ માટે નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવાનો પાયો નાખ્યો હતો.
નિવૃતિ બાદ તેઓ બેંગ્લોરમાં રમણ સંશોધન સંસ્થાના ટ્રસ્ટી તરીકે નિયુક્ત થયા હતા. તેણીએ એક કંપનીની સ્થાપના પણ કરી જે સૌર અને પવન ઉર્જા ઉપકરણોનું ઉત્પાદન કરે છે. મણિનું 2001માં તિરુવનંતપુરમમાં અવસાન થયું હતું.
આટલું ઉચ્ચ શિક્ષણ અને એમાં પણ એ સમયમાં વૈજ્ઞાનિક તરીકે સિદ્ધ થવાં માટે કે યોગ્ય પદ મેળવવાં માટે તેણે સો ટકા ખૂબ જ મહેનત કરી હશે! પરંતુ સમયનો એ દોર એવો હતો કે એને સામાજિક સંઘર્ષ પણ કરવો પડ્યો હોય! કોઈ કોઈ ને ઘરમાં અનુકૂળ વાતાવરણ મળ્યું હોય તો બહારનાં સમાજે કસોટી કરી હોય! પણ છતાં એ બધું ગણકાર્યા વગર અથવા તો જવાબદારી નિભાવતાં નિભાવતાં કંઈક વિશેષ કાર્ય કરી જવું એ ઘણી બધી મોટી ઉપલબ્ધિ કહેવાય! અને સૌથી વધુ મહત્વનું તો પોતાના રાષ્ટ્ર માટે કંઈક કરી જવું અને અન્ય દેશની સરખામણીમાં લગભગ બધે આપણી પાસે ચોવીસ કલાક માંથી આઠ દસ કલાક તો સૂર્ય પ્રકાશ મળે જ છે, અને એ સોર્ય ઉર્જા વધુમાં વધુ નો ઉપયોગ કરી આપણે કેટલાંય ભૌતિક સાધનો અથવા તો ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચલાવી શકીએ, વીજ શક્તિ બચાવી શકીએ ! અને આ અન્ના મણિ એ કરી બતાવ્યું! જય ભવાની.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

