શારીરિક મર્યાદાઓ સામે મનોબળનો વિજય : જનકલ્યાણના પથ પર અગ્રેસર શ્રી ઇલાબેન ગોહિલ
તલાટીથી એડિશનલ કલેક્ટર સુધીની સફર : ‘દીકરી કલેક્ટર બને’ તેવું માતાનું સ્વપ્ન સાકાર કર્યું
દરેક ડગલે સંઘર્ષ છે, પણ પીછેહટ કર્યા વિના લડતા રહેવાથી જ ધ્યેય પ્રાપ્ત થાય છે : શ્રી ઇલાબેન
રાજકોટ તા. ૦૭ માર્ચ -* ૦૮ માર્ચના રોજ ‘વિશ્વ મહિલા દિવસ’ એટલે નારીશક્તિના અદમ્ય સાહસ, સંઘર્ષ અને સફળતાને વંદન કરવાનો દિવસ. સમાજમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રે પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે, ત્યારે ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન અને અનેક મહિલાઓ તેમજ દિવ્યાંગો માટે રોલ મોડલ બનેલા શ્રી ઇલાબેન ગોહિલનું જીવન ખરા અર્થમાં પ્રેરણાદાયી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ એડિશનલ કલેક્ટર અને ફૂડ એન્ડ સપ્લાયના જોઇન્ટ ડિરેક્ટર તરીકે કાર્યરત શ્રી ઇલાબેને પોતાની શારીરિક મર્યાદાઓને ક્યારેય પ્રગતિના આડે આવવા દીધી નથી. એક દીકરી ધારે તો સફળતાના કપરા શિખરો સર કરી શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે, તેઓ આજે સાચા અર્થમાં ‘વુમન એમ્પાવરમેન્ટ’નું પ્રતીક બન્યા છે.
શ્રી ઇલાબેનની સંઘર્ષમય અને તેજસ્વી સફર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નાનકડા ગામ સુદામડાથી શરૂ થઈ હતી. માત્ર દોઢ વર્ષની ઉંમરે પોલિયોનો શિકાર બનવા છતાં તેમણે ક્યારેય હાર ન માની. તેમનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ અંગ્રેજી વિષય સાથે સરકારી શાળામાં થયો અને ત્યારબાદ તેઓ સાયન્સ પ્રવાહમાં સ્નાતક થયા.
શ્રી ઇલાબેનની કારકિર્દીનો આરંભ વર્ષ ૧૯૯૭માં સાયલામાં તલાટી કમ મંત્રી તરીકે થયો, જ્યાં તેમણે ૧૩ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી. આ સમયગાળા દરમિયાન નોકરીની સાથેસાથે તેમણે એક્સટર્નલ અભ્યાસ કરીને બી.એ. અને એલ.એલ.બી.ની પદવી મેળવી. સતત મહેનતથી જી.પી.એસ.સી.ની પરીક્ષાઓ ઉત્તીર્ણ કરીને, તેઓ વર્ષ ૨૦૦૯માં ચીફ ઓફિસર અને વર્ષ ૨૦૧૧માં તાલુકા વિકાસ અધિકારી બન્યા. વર્ષ ૨૦૧૭માં ડેપ્યુટી ડી.ડી.ઓ. (નાયબ જિલ્લા વિકાસ અધિકારી) તરીકે પ્રમોશન મેળવી, તેમણે ગીર સોમનાથ, મોરબી અને રાજકોટમાં પ્રશંસનીય કામગીરી કરી. અંતે ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ રાજકોટમાં એડિશનલ કલેક્ટર તરીકે પ્રમોશન મેળવીને તેમણે ‘દીકરી કલેક્ટર બને’ તેવું તેમની માતાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું. દિવ્યાંગ હોવા છતાં અભ્યાસનું મટીરીયલ મેળવવા, ફોર્મ ભરવા માટે બસમાં અપડાઉન કરીને જે સંઘર્ષ તેમણે કર્યો છે, તેનું પરિણામ આજે તેમની સફળતામાં દેખાય છે.
પોતાની ફરજ દરમિયાન શ્રી ઇલાબેને હંમેશા જનકલ્યાણને અગ્રિમતા આપી છે. તેમણે ૯૦૦ જેટલા પ્લોટની ફાળવણી અને ગામતળ મંજૂરી જેવા વહીવટી કાર્યો કુનેહપૂર્વક કર્યા છે. વર્ગ-૦૩ના કર્મચારીઓને સમયસર પગાર અને પ્રમોશન મળે, તે માટે તેઓ હંમેશા તત્પર રહ્યા છે, તેમજ નવી ભરતી અને વિભાગીય પરીક્ષાઓનું સુવ્યવસ્થિત આયોજન કર્યું છે. ખાસ કરીને સામાન્ય અરજદારોને આવક કે જાતિના દાખલા માટે કચેરીના ધક્કા ન ખાવા પડે, તે બાબતનું તેમને વિશેષ ધ્યાન રાખ્યું છે.
શ્રી ઇલાબેન ગોહિલ મહિલાઓ અને દિવ્યાંગોને સંદેશ આપે છે કે, શારીરિક ખામીના લીધે જાતને અન્યથી ઉતરતી નહીં પરંતુ સર્વથી શ્રેષ્ઠ માનો, મન મક્કમ હોય તો બધું જ શક્ય છે. તેઓ માને છે કે, દરેક ડગલે સંઘર્ષ છે, પણ પીછેહટ કર્યા વિના લડતા રહેવાથી જ ધ્યેય પ્રાપ્ત થાય છે. દીકરીઓને ભણવાની તક અને કારકિર્દી બનાવવા માટે પરિવારનો ટેકો મળે તો તેઓ પગભર થઈ શકે છે. મહિલાઓ અને દિવ્યાંગો સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણે અને તેનો લાભ લઈને આત્માનિર્ભર પર બને, તેવો અનુરોધ તેમણે કર્યો હતો. તેમને હંમેશા તેમના પરિવારનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે, તેમના માતા-પિતાએ દીકરા-દીકરી વચ્ચે ક્યારેય ભેદ નહોતો કર્યો, ઉલટાનું તેમને એક ‘સ્પેશિયલ ચાઇલ્ડ’ તરીકે વધુ પ્રેમ અને પ્રોત્સાહન મળ્યું છે. તેઓ હંમેશા સહકાર આપવા બદલ કુદરત અને સાથી અધિકારીઓનો પણ ખૂબ આભાર માને છે.
આમ, આંતરિક શક્તિ અને અડગ આત્મવિશ્વાસ હોય તો શારીરિક મર્યાદાઓ ક્યારેય પ્રગતિના પથમાં અડચણ બની શકતી નથી. પોતાની શારીરિક ઉણપને લાચારી બનાવવાને બદલે મનોબળથી આગળ વધવાની પ્રેરણા શ્રી ઇલાબેને આપી છે. ત્યારે શ્રી ઇલાબેનની જેમ દરેક મહિલાએ પોતાની ભીતર રહેલી શક્તિ અને કળાને ઓળખવી જોઈએ તેમજ સ્વપ્નો પૂર્ણ કરવા માટે મક્કમ ડગલે આગળ વધવું જોઈએ.
આલેખન : માર્ગી મહેતા

