Porbandar,તા,05
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સામે આવી છે. પાડોશમાં જ રહેતા એક 12 વર્ષીય સગીરે માત્ર 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જોકે, હાલ આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, આ આઘાતજનક કિસ્સો ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં આવતા એક રહેણાંક વિસ્તારમાં બન્યો હતો. બાળકી જ્યારે તેના ઘર પાસે રમી રહી હતી, ત્યારે પાડોશમાં રહેતા 12 વર્ષીય સગીરે તેને શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ બાળકીની તબિયત લથડતા પરિવારને આ બાબતની જાણ થઈ હતી. આ મામલે પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધતા મામલો ગંભીર બન્યો હતો.
ઘટનાની ગંભીરતાને સમજીને ઉદ્યોગનગર પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બાળકીને તાત્કાલિક ધોરણે સારવાર અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી કિશોર વયનો હોવાથી પોલીસ દ્વારા ‘જુવેનાઈલ જસ્ટિસ એક્ટ’ હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, પરિવારને ન્યાય અપાવવા માટે તમામ જરૂરી પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે અને તટસ્થ તપાસ કરવામાં આવી રહી છે. માસૂમ બાળકી સાથે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપી સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.

