Bhavnagar તા.7
ભાવનગર જિલ્લા બુઢણા એલસીબી પોલીસ ની ટીમે બાતમીના આધારે જુગારધામ પર રેઇડ કરી 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 7 શખ્સો પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
મળતી વિગત મુજબ ભાવનગર એસ.પી. નિતેશ પાંડેયની સૂચનાથી એલ.સી.બી. પી.આઈ. મયુરધ્વજસિંહ સરવૈયા અને તેમની ટીમ સિહોર પંથકમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, બુઢણા ગામની ખરાબાની ‘નવાણ’ તરીકે ઓળખાતી જગ્યાએ પતરાના ઢાળિયામાં લાઈટની સુવિધા કરી કેટલાક શખ્સો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે આ સ્થળે ઓચિંતો દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસે ઘટનાસ્થળેથી મોહિત ઘનશ્યામભાઇ કાંજાની, અજય ગંગારામ રૂપેજા, પંકજ ઉદાભાઇ પરમાર, યુનુસ ઉર્ફે મુંગો મુસાભાઇ લાખાણી, પ્રકાશ કાનજીભાઇ ખેરાળા અને સતાર કાસમભાઇ મહેતર (તમામ રહે. પાલીતાણા) ને ગંજીપત્તા રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 27,200/- ની રોકડ અને 4 મોટર સાયકલ (કિંમત રૂ. 1,00,000/-) મળી કુલ રૂ. 1,27,200/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
રેઇડ દરમિયાન અંધારાનો લાભ લઈ તુષાર માળી, બાવલો કોળી, હનીફ લાખાણી, પ્રકાશ ઉર્ફે જીવલી મકવાણા, હારૂન સોલંકી, કનુભાઇ કોળી અને અનવરખાન બલોચ ફરાર થઈ ગયા હતા. પોલીસે તમામ 13 આરોપીઓ વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી ફરાર શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

