Bhavnagar તા.7
ભાવનગર શહેરના સરદારનગર 50 વારિયા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક વિધર્મી શખ્સ દ્વારા યુવતીની છેડતી કરવામાં આવતા મામલો ગરમાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો અને પરિસ્થિતિ તંગ બનતા શહેરના તમામ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મળતી માહિતી મુજબ શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી એક સગીર યુવતીને તે જ વિસ્તારનો એક વિધર્મી સગીર શખ્સ અવારનવાર પરેશાન કરતો હતો. ગત રાત્રિના સમયે જ્યારે આ શખ્સે ફરી એકવાર યુવતીની છેડતી કરી, ત્યારે યુવતીએ તેના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. આ વાતની જાણ આસપાસના લોકોને થતા જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ સગીર-સગીરા ને ઈન્સ્ટાગ્રામ પણ મિત્રતા થઈ હતી. મિત્રતાને બે સમાજના લોકો વચ્ચે ઘર્ષણ ઉભો કર્યું છે. બનાવની ગંભીરતા જોતા સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને એકઠા થયા હતા અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેને કાબૂમાં લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પોલીસે ભીડને વિખેરીને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને છેડતી કરનાર શખ્સ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
મોડી રાત સુધી ચાલેલી આ ખેંચતાણ બાદ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

