વાઘણીયા-નાના લીલીયા ગામ વચ્ચે રોડ પર સર્જાયા અદભુત દ્રશ્યો
Amreli તા.૧૧ઃ
અમરેલી જિલ્લામાં આવેલ લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં આજે વહેલી સવારે એક અદભુત અને રોમાંચક દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમાં લીલીયા તાલુકાના વાઘણીયા ગામ અને નાના લીલીયા ગામ વચ્ચેના માર્ગ ઉપર એક સિંહણ પોતાની સાથે બે સિંહબાળોને લઈને રોડ ક્રોસિંગ કરતી હોવાનું દ્રશ્ય સ્થાનિકોના મોબાઈલ કેમેરામાં કેદ થયું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ બની રહ્યો છે.
આ બનાવમાં મળતી માહિતી મુજબ આજે સવારના સમયે રોડની એક બાજુથી સામેની બીજી બાજુ તરફ સિંહણ ધીમે ધીમે આગળ વધી રહી હતી અને તેની પાછળ તેમનાં બે નાનાં સિંહબાળ પણ સાવચેતીપૂર્વક રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. રસ્તા પરથી પસાર થતાં કેટલાક લોકોએ આ દુર્લભ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા.
જાણકારોના અનુમાન મુજબ હાલમાં અમરેલી જિલ્લામાં પડી રહેલ ઉનાળાની કાળઝાળ ગરમી અને જંગલ વિસ્તારમાં પાણી અને ખોરાકની અછત તેમજ સલામત રહેઠાણની શોધને કારણે સિંહણ પોતાના બચ્ચાંને વધુ સુરક્ષિત સ્થળ તરફ લઈ જઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સિંહણ પોતાના બચ્ચાં પ્રત્યે કેટલી સતર્કતા અને સંભાળ રાખે છે તે આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળતું હતું.
અમરેલીના ગીર અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોના માનવ વસાહતો નજીક દેખાતા હોવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સિંહણ સાથેના બે સિંહબાળનું રોડ ક્રોસિંગ સ્થાનિકો માટે આકર્ષણ અને ચર્ચાનો વિષય બન્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સિંહણ ખૂબ શાંતિપૂર્વક પોતાના બંને સિંહબાળ સાથે રસ્તો પાર કરતી નજરે પડે છે, જેને જોઈ લોકોમાં કુદરત પ્રત્યે આશ્ચર્ય અને આનંદની લાગણી ફેલાઈ છે.

