Rajkot તા. 14
લોનના હપ્તાની ઉઘરાણી કરવા ગયેલા બેંકના કલેક્શન મેનેજર અને તેમના સાથીદાર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. લોન ધારક અને તેના સાથીદારોએ મળીને બેંક કર્મચારીઓને ઓફિસમાં પુરી દઈ, માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.
બનાવ અંગે કાલાવડ રોડ આરકે નગર મેઇન રોડ પર રહેતાં અને ડો. યાજ્ઞિક રોડ પર એચડીબી બેંકમાં ફાયનાન્સ ઓફિસમાં કલેક્શન મનેજર તરીકે નોકરી કરતાં હરપાલસિંહ પ્રદીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી ઓજસ ઓરા કોમ્પલેક્ષમાં બેસતાં યોગેશ ઉમરેટીયા, શ્વેત ઉમરેટીયા, પ્રશાંત ચોવટીયા સહિતની સામે ગુનો દાખલ કર્યો છે.
વધુમાં હરપાલસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇ 11 ના આ ઘટના બની હતી. શ્વેત ચોવટીયા નામના વ્યક્તિએ બેંકમાંથી 3 લાખની લોન લીધી હતી, જેમાં યોગેશ ઉમરેટીયા જામીનદાર (ગેરેન્ટર) હતા. લોનના ત્રણ હપ્તા ચડી ગયા હોવાથી બેંકના કર્મચારી જયદીપભાઈ ડવ ઉઘરાણી માટે ગયા હતા.
આ પછી જ્યારે ઉઘરાણી બાબતે વાતચીત કરવા માટે ફરિયાદી હરપાલસિંહ મટુકી ચોક પાસે આવેલી ખોડલ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસે પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર આરોપીઓ શ્વેત ચોવટીયા, યોગેશ ઉમરેટીયા અને પ્રશાંત ચોવટીયા તેમજ અન્ય 4-5 અજાણ્યા માણસોએ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી શરૂ કરી હતી.
આરોપીઓએ ઓફિસનો દરવાજો બંધ કરી દઈ હરપાલસિંહને પકડી રાખ્યા હતા અને પ્રશાંત ચોવટીયાએ કોઈ વસ્તુ વડે હરપાલસિંહના માથા તથા નાકના ભાગે ઘા ફટકારતા તેઓ લોહીલુહાણ થયા હતા. તેમજ માર મારતી વખતે આ લોકોને જીવતા નથી છોડવા તેવી ધમકી પણ આપી હતી.
બનાવ બાદ 112 પર કોલ કરીને પોલીસ બોલાવવામાં આવી હતી. ઇજાગ્રસ્ત હરપાલસિંહને તાત્કાલિક સારવાર માટે મેડિકેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ હવે તાલુકા પોલીસને જાણ કરતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં ટીમે વિરૂધ્ધ રાયોટિંગ, મારામારી અને ધમકી આપવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

