London, તા. 6
લંડન સ્થિત ભારતીય હાઈકમિશને યુનાઇટેડ કિંગડમના છ દિવસનાં પ્રવાસે ગયેલાં ભારતનાં મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતના એક કાર્યક્રમ દરમિયાન થયેલી ગેરવર્તણૂક ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે.
ગુરુવારે લંડનની બર્કબેક યુનિવર્સિટીમાં ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આંતરરાષ્ટ્રીય કાયદો’ વિષય પર મુખ્ય ન્યાયાધીશના એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એઆઈ, કાનૂની પ્રણાલીઓ અને આંતરરાષ્ટ્રીય ગવર્નન્સ વચ્ચેનાં સંબંધો અને ભવિષ્યનાં પડકારો પર ચર્ચા કરવાનો હતો.
મુખ્ય ન્યાયાધીશના ભાષણ બાદ જ્યારે શ્રોતાઓ સાથે પ્રશ્નોત્તરીનો સત્ર શરૂ થયો, ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ ભારતમાં અસહમતિ પ્રત્યે વધતી અસહિષ્ણુતા અંગે સવાલ ઉઠાવીને કાર્યક્રમમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનાં કારણે ત્યાં ઉગ્ર ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
જોકે, કાર્યક્રમનાં મોડરેટરે તાત્કાલિક વચ્ચે પડીને તે સવાલને અટકાવી દીધો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે આ વિષય નિર્ધારિત એઆઈ અને આંતરરાષ્ટ્રીય કાયદાનાં મુદ્દાથી તદ્દન અલગ છે.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ શુક્રવારે ભારતીય હાઈકમિશને સત્તાવાર નિવેદન જાહેર કરીને આ પ્રકારનાં વર્તનને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યું છે.
હાઈકમિશને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, લોકશાહી સમાજમાં વિચારોની ભિન્નતા હોવી સ્વાભાવિક છે, પરંતુ તેને હંમેશાં એક સભ્ય અને સન્માનજનક રીતે વ્યક્ત કરવી જોઈએ. દર્શકો તરફથી કરવામાં આવેલું આવું અશિષ્ટ વર્તન જાહેર સંવાદની મર્યાદાઓની બિલકુલ વિરુદ્ધ છે.

