New Delhi, તા. 6
દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર ઈથેનોલ બ્લેન્ડિંગ એટલે કે પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ સતત વધારી રહી છે. હાલમાં ભારતમાં મોટાભાગની કંપનીઓ C20 એટલે કે 20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી ચાલી શકે તેવા વાહનો વેચી રહી છે.
જોકે, સરકારે તાજેતરમાં જ E22 થી લઈને E30 સુધીના વધુ ઈથેનોલ મિશ્રણવાળા ઈંધણના નવા ધોરણો જાહેર કર્યા હોવાથી કરોડો વાહનચાલકોના મનમાં ચિંતા છે કે તેમના વર્તમાન વાહનોનું ભવિષ્ય શું હશે.
સામાન્ય રીતે વાહન ઉત્પાદકો એન્જિનને ચોક્કસ નિર્ધારિત મિશ્રણ માટે જ પ્રમાણિત કરતાં હોય છે. જો E20 ક્ષમતાવાળા વાહનમાં તેનાથી વધુ ઈથેનોલવાળું પેટ્રોલ લાંબા સમય સુધી વાપરવામાં આવે તો એન્જિનની રબરની સીલ, ગેસ્કેટ, ફ્યુઅલ પંપ અને ઈન્જેક્ટર્સ જેવા ભાગોને મોટું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ઈથેનોલ હવામાંથી ભેજને ઝડપથી શોષી લેતું હોવાને કારણે વાહનની માઈલેજ અને એન્જિનના લાંબાગાળાના આયુષ્ય પર પણ માઠી અસર પડી શકે છે.
આ સમસ્યાના ઉકેલ તરીકે વાહનને અપગ્રેડ કરવાની વાત કરીએ તો, E20 વાહનને E30 એટલે કે 30 ટકા ઈથેનોલ સુધી લઈ જવું ટેકનિકલી ઘણું સરળ છે. એન્જિન કંટ્રોલ યુનિટના રી-કેલિબે્રશન અને ફ્યુઅલ સિસ્ટમના સામાન્ય ફેરફારથી આ શક્ય બની શકે છે, પરંતુ આ માટે ઓટો કંપનીઓની સત્તાવાર મંજૂરી અને ટેસ્ટિંગ જરૂરી રહેશે કારણ કે હાલમાં બજારમાં આવી કોઈ સાર્વત્રિક ક્નવર્ઝન કિટ ઉપલબ્ધ નથી. બીજી તરફ વાહનને સીધું ઊ85 એટલે કે 85 ટકા ઈથેનોલ પર ચલાવવા માટે આખી ફ્યુઅલ સિસ્ટમના હાર્ડવેર બદલવા પડે જે ખૂબ જ જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે.
બજારમાં મળતાં ફ્યુઅલ એડિટિવ્સ માત્ર ભેજ નિયંત્રિત કરવામાં થોડી મદદ કરી શકે છે, પરંતુ તે વાહનની આંતરિક રચના બદલી શકતા નથી. બીજી તરફ દેશમાં હવે ફ્લેક્સ-ફ્યુઅલ એટલે કે 20 ટકાથી લઈને પૂરા 100 ટકા ઈથેનોલ પર ચાલી શકે તેવા વાહનોનું આગમન શરૂ થઈ ગયું છે.
તાજેતરમાં જ મારૂતિ સુઝુકીએ તેની પ્રખ્યાત વેગનઆરનું ફ્લેક્સ-ફ્યુઅલ વર્ઝન રજૂ કર્યું છે, જ્યારે હીરો મોટોકોર્પે પણ માસ-માર્કેટમાં 100 સીસી સેગમેન્ટ અંતર્ગત સ્પ્લેન્ડર પ્લસ અને એચએફ ડીલક્સના ફ્લેક્સ-ફ્યુઅલ મોડલ લોન્ચ કરીને ઈકોસિસ્ટમ મજબૂત કરી છે.
જોકે, વર્તમાન વાહનચાલકોએ આ બાબતે અત્યારથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભવિષ્યમાં જ્યારે પણ ઉચ્ચ બ્લેન્ડિંગવાળું ફ્યુઅલ આવશે ત્યારે તેને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે એક અલગ વિકલ્પ તરીકે જ બજારમાં રાખવામાં આવશે.
દેશનાં રોડ પર દોડતાં કરોડો જૂના વાહનોની સુવિધા માટે આગામી લાંબા સમય સુધી પેટ્રોલ પંપો પર E20 ઈંધણની સપ્લાય યથાવત રાખવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

